મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ ભારતીય વૈવિધ્ય સભર સંસ્કૃતિથી અભિભૂત થઈ અનેક દેશમાંથી વિદેશીઓ દેશની મુલાકાતે અભ્યાસ અર્થે આવતા હોય છે વિદેશી પર્યટકો પણ દર વર્ષે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. કેટલાક વિદેશી યુવક-યુવતીઓ આધુનિક જીવનશૈલીથી કંટાળી શાંતિની શોધમાં ભારતમાં ભટકતા પણ જોવા મળે છે . ત્યારે ભારત ભ્રમણે નીકળેલ સ્પેનિશ કપલ અરવલ્લી જીલ્લાના માલપુરના જંગલ વિસ્તારમાં પહોંચ્યું હતું  સ્પેનિશ કપલની ટ્રાવેલર ગાડી ખાડામાં ખુંપી જતા સ્પેનિશ યુવકે વનવિભાગ તંત્રના કર્મચારીઓની મદદ માંગતા ટ્રેક્ટરની મદદથી ટ્રાવેલર બસ બહાર નીકાળવામાં મદદ કરતા સ્પેનિશ કપલે વનવિભાગના કર્મચારીઓનો આભાર વ્યક્ત કરી ગોવા જવા નીકળી ગયું હતું. વહીવટી તંત્ર, સ્થાનિક તંત્ર અને આઈ.બી વિભાગને સ્પેનિશ કપલ ત્રણ દિવસ જંગલમાં રોકાણ કર્યું એ અંગે જાણ હતી કે પછી ગંધ સુદ્ધાં આવી નથી જેવા પ્રશ્નો સ્થાનિકોમાં પેદા થયા છે. 

પ્રાપ્ત માહિતી મુજબ,અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના રૂઘનાથપુરા ગામ નજીક વાત્રક નદીના કિનારે જંગલ જેવા વિસ્તારમાં ત્રણ-ચાર દિવસથી એક સ્પેનિશ કપલ રોકાણ કરવાની રહેવા ખાવાની સુવિધાથી સજ્જ મર્સીડીઝ ટ્રાવેલરમાં પહોંચી પડાવ નાખ્યો હતો. રૂઘનાથપુરા થી પ્રયાણ કરતા સમયે સ્પેનિશ કપલની ટ્રાવેલર બેન્ઝ જંગલમાં વાત્રક નદીના કિનારે કાદવમાં ખુંપી જતા સ્પેનિશ યુવકે અનેક પ્રયત્નો કરવા છતાં બહાર ન નીકળતા નજીકમાં આવેલ વનવિભાગ તંત્રની નર્સરીમાં ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને પહોંચી  વનવિભાગના કર્મચારીઓ રોહિત ભારતીય અને  રાજુભાઈ નામના કર્મચારી પાસે સ્પેનિશ ભાષામાં મદદ માંગતા  બંને કર્મચારીઓ મૂંઝવણ માં મુકાયા હતા. વનવિભાગના કર્મચારીઓએ ગુગલ ટ્રાન્સ્લેટના આધારે સ્પેનિશ ભાષાનું ગુજરાતીમાં રૂપાંતરિત કરતા વિદેશી યુવકની ટ્રાવેલર જંગલમાં ખાડામાં ફસાઈ હોવાની જાણ થતા વનવિભાગના  કર્મચારીઓ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ટ્રેક્ટરની મદદથી ટ્રાવેલર ગાડી બહાર કાઢી આપતા સ્પેનિશ કપલ પર તણાયેલી ચિંતાની લકીરો દૂર થતા ખુશીથી ઝુમી ઉઠ્યું હતું અને ગોવા તરફ પ્રયાણ કર્યું હતું વનવિભાગ તંત્રના કર્મચારીઓ પણ સ્પેનિશ કપલ જે જગ્યાએ ગાઢ જંગલ વિસ્તારમાં ફસાયું હતું તે સ્થળ પર કઈ રીતે પહોંચ્યું હશે તે અંગે અચંબિત બન્યા હતા. સ્પેનિશ કપલે  ત્રણ થી ચાર દિવસ રોકાણ કર્યું ત્યારે ગામલોકોમાં પણ કુતુહલ સર્જાયું હતું .પરંતુ આ અંગે અગમ્ય કારણોસર તંત્રને જાણ કરવાનું મુનાસીબ માન્યું ન હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. વિદેશી યુવક જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ખરીદવા ઇલેક્ટ્રિક મોપેડ લઈ  માલપુર બજારની મુલાકાત પણ બે ત્રણ વાર કરી હોવાનું વેપારી આલમમાં ચર્ચા ચાલી રહી છે. 

માલપુરના જંગલ વિસ્તારમાં સ્પેનિશ કપલ ટ્રાવેલર ગાડી સાથે ત્રણ દિવસ રોકાયું તે અંગે વહીવટી તંત્ર પણ અજાણ 

માલપુર નજીક પસાર થતી રૂઘનાથપુરા ગામ નજીક આવેલા જંગલ વિસ્તારમાં વાત્રક નદીના કિનારે ત્રણ-ચાર દિવસથી ટ્રાવેલર  ગાડી સાથે પહોંચી સ્પેનિશ કપલે પડાવ નાખ્યો હોવા છતાં વહીવટી તંત્ર, સ્થાનિક તંત્ર અને આઈબી પણ સમગ્ર બાબત થી અજાણ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી ત્યારે આ સ્પેનિશ કપલ ત્રણ-ચાર દિવસ સુધી ગાઢ જંગલ વિસ્તાર કે  જ્યાં સ્થાનિક લોકો એકલા જવાનું પણ મુનસીબ સમજતા નથી તેવી જગ્યાએ કેમ રોકાયું હશે જેવા પ્રશ્નો સ્પેનિશ કપલના પ્રયાણ પછી સ્થાનિક લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હોવાની સાથે ગૂઢ રહશય સર્જાયું છે ત્યારે વહીવટી તંત્ર કે પછી જીલ્લા આઈ.બી વિભાગ સ્પેનિશ કપલ ક્યારે આવ્યું હતું અને કેમ આવા ગાઢ જંગલમાં રોકાયું હશે  તેની તપાસ કરશે કે નહિ તે જોવું રહ્યું...!!!