અંકુર ચૌવ્હાણ (મેરાન્યૂઝ.અમદાવાદ) : કોરોના ક્યારે અટકશે તેવો જવાબ કોઈની પાસે જડી રહ્યો નથી. હવે સ્થિતિ એ આવી ગઈ છે કે એક દિવસમાં પચાસ હજારની સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ વિશ્વભરમાંથી સામે આવી રહ્યાં છે. કોરોના વિશ્વભરના વિકસિત દેશોને વધુ ભરડામાં લીધું છે અને તેમાં હવે ઉચ્ચ પદે બેસેલા અને રોયલ પરિવારના લોકો પણ સપડાયા છે. મળતી માહિતી મુજબ કોરોનાથી સ્પેનના રાજકુમારી મારિયા ટેરેસાનું મૃત્યુ નીપજ્યું છે. હવે જ્યારે રોયલ પરિવારના લોકોને આ વાયરસથી સુરક્ષિત રાખી શકાતા નથી, ત્યારે સામાન્ય માણસનું શું થશે તેનાથી લોકોની ચિંતા ઓર વધી રહી છે.

યુરોપના દેશોમાં કોરોના મોટી ઉંમરના લોકોની જાન વધુ લઈ રહ્યો છે. સ્પેનના પ્રિન્સેસ મારીયા ટેરેસા પણ 86 વર્ષની ઉંમર ધરાવતા હતા, જે કારણે તેઓની રિકવરી થઈ શકી નહીં. બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. બ્રિટનના રાણી પણ હાલમાં ક્વેરિન્ટાઈનમાં છે. યુરોપના શાહી પરિવારના અનેક સભ્યો આ રીતે ક્વેરિન્ટાઈનમાં જઈ ચૂક્યા છે. સ્પેનના રાણીનું કોરોનાથી અવસાન થયું છે તેની પુષ્ટિ સ્પેનના શાહી પરિવાર પણ કરી ચૂક્યા છે.

ચીનના વુહાન શહેરમાંથી જન્મેલું આ સંકટ હવે વિશ્વમાં નાનામાં નાનાં ટાપુ સુદ્ધાને ભરડામાં લઈ રહ્યું છે. તેનો અંત ક્યારે આવશે તેની મથામણ હાલ સૌને છે. વિજ્ઞાન પાસે પણ હજુ તેનો સંપૂર્ણ તોડ આવ્યો નથી. રોજબરોજ હજારોની સંખ્યામાં થઈ રહેલા મોતમાં રાહત માત્ર એક જ છે કે હજુ ઘણા લોકો કોરોનાની ઝપેટે આવ્યા નથી અને ઘણા લોકો કોરોના થયા પછી પણ તેમાંથી બહાર આવ્યા છે. જો આ ચિત્ર ઉલ્ટું થશે તો તે ચિત્ર વધુ ભયાવહ હશે.