મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે બુધવારે ૩૫ કર્મીઓની આંતરીક બદલી કર્યા બાદ સતત બીજા દિવસે વધુ ૧૩ પોલીસકર્મીઓની આંતરીક બદલીનો ગંજીપો ચીપતા પોલીસ બેડામાં કહી ખુશી કહીં ગમ જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે જીલ્લા પોલીસતંત્રમાં સતત થઇ રહેલા ઉલટફેર થી પોલીસકર્મીઓ પણ થાપ ખાઈ રહ્યા છે.

અરવલ્લી એસપી સંજય ખરાત ચાર્જ સંભાળ્યા બાદ જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીની સતત સમીક્ષા કરી રહ્યા છે કેટલાક પોલીસકર્મીઓની બુટલેગરો સાથે ભાઈબંધી બહાર આવતા સસ્પેન્ડ પણ કરી દીધા છે ગુરુવારે વધુ એક વાર જાહેરહીત પદર ખર્ચે ૧૩ પોલીસકર્મીઓની સાગમેટે બદલી નો હુકમ કર્યો હતો જેમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના ત્રણ,હાઈવે ટ્રાફિકના બે, જીલ્લા ટ્રાફીકમાંથી ૧ અને હેડક્વાટર ખાતે ફરજ બજાવતા ત્રણ તેમજ જીલ્લાના અન્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓની બદલી કરી દેતા પોલીસ બેડામાં વધુ એક ઉલટફેર જોવા મળી રહ્યો છે.

અરવલ્લી પોલીસ અને તેમની કામગીરી કોઈને કોઈ કારણોસર હંમેશા ચર્ચા સ્થાને રહી છે.છેલ્લા કેટલાક સમયથી ગૃહખાતાની આડપંપાળ અને ભ્રષ્ટ અધિકારીઓની કારણે જિલ્લા પોલીસની છાપ ખરડાયેલી છબીને સુધારવાનો સતત પ્રયત્ન થઇ રહ્યો હોવાનું પોલીસતંત્રમાં ચર્ચાઈ રહ્યું છે