મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: હાલ રાજ્યમાં આઇપીએસ અધિકારીઓની બદલીઓના ભણકારા વાગી રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલે જીલ્લામાં પોલીસકર્મીઓની આંતરિક બદલીઓનો દોર વધુ એક વખત હાથ ધરી એકી સાથે ૩૧ પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવતાં જિલ્લાના પોલીસબેડામાં ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે.

જીલ્લા એસપી તરીકે મયુર પાટીલે ચાર્જ સંભાળતા ની સાથે જીલ્લાના વિવિધ શહેરી અને ગ્રામ્યવિસ્તારના પોલિસ અધિકારીઓ અને કર્મચારીઓ બદલીનો ગંજીપો છિપાવાનું ચાલુ કર્યું છે. જે હજુ પણ યથાવત રહેતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સતત પોલીસવડા દ્વારા થઈ રહેલી બદલીઓનુ ગણિત સમજવામાં થાપ ખાઈ રહ્યા હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે. જીલ્લા પોલીસતંત્રમાં ભારે ઉલટફેર કરવામાં આવતા વારંવાર કરાતી બદલીઓ સામે અનેક પ્રશ્નાર્થ પેદા થયા છે.

અરવલ્લી જિલ્લા પોલીસવડા મયુર પાટીલે આજે એ.એસ.આઈ,હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિત ૩૧ જેટલા પોલીસકર્મીઓની શહેર ઉપરાંત જિલ્લામાં આતંરિક બદલીઓ કરી છે. એકીસાથે ૩૧ પોલીસકર્મીઓની બદલીઓ થતા જિલ્લાભરના પોલીસબેડામાં ચર્ચા જાગી છે. પોલીસ કર્મચારીઓના જાહેર હિતમાં તેમજ વહીવટી સરળતા ખાતર બદલીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.