ઈબ્રાહીમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ) : ચીન અને અમેરિકાના બે રાષ્ટ્રરાધ્યક્ષો વચ્ચે સંવાદ થયા પછી અમેરિકન સોયાબીનની મજબૂત માંગ નીકળવાની શક્યતા પર ભાવ તેજીના પાટે ચઢી ગયા છે. અમેરિકામાં લણણી હમણાંજ પૂરી થઈ છે, ત્યારે સોયાબીન વેચાણ માટે નવેમ્બર મહિનો મહત્વનો હોય છે. ચીન બ્રાઝિલમાંથી પુષ્કળ સોયાબીન ખરીદી કરી રહ્યું છે, ત્યારે વર્ષના આ ગાળામાં આને અસામાન્ય પગલું ગણવામાં આવી રહ્યું છે. નવેમ્બરના પ્રથમ ૧૨ દિવસમાં બ્રાઝિલે ૧૫ લાખ ટન સોયાબીન વિદેશ ચઢાવી દીધા છે, સામાન્ય રીતે આખા મહિનામાં આટલી નિકાસ થતી હોય છે. 

અમેરિકન પ્રમુખ જો બાયડેન અને ચીનના શી જિનપિંગ વચ્ચે ત્રણ કલાક ચાલેલી વિડીયો કૉન્ફરન્સ વાટાઘાટોને પગલે અમેરિકામાંથી ચીન હવે વધૂ સોયાબીન ખરીદશે, એવી હવા ચગી છે. આને લીધે શિકાગો સોયાબીન વાયદો બુધવારે, એક તબક્કે ૩૦ સપ્ટેમ્બર પછીની નવી ઊંચાઈએ ૧૨.૮૯ ડોલર પ્રતિ બુશેલ (૨૭.૨૧૮ કિલો) બોલાયો હતો, જે ગુરુવારે ૧૨.૭૯ ડોલર હતો. અલબત્ત, ચીનના એક બ્રોકર હુતાઈ ફ્યૂચર્સની એક નોંધમાં કહેવાયું હતું કે ટ્રેડરોનું ધ્યાન હજું પણ દક્ષિણ અમેરિકાના હવામાન અને વેપાર તરફ કેન્દ્રિત રહ્યું છે. 

Advertisement


 

 

 

 

 

અત્યાર સુધી બ્રાઝિલનો માલ સસ્તો પડી રહ્યો છે, અને અમેરિકાનું વેચાણ હજુ પણ અધરમાં છે. ગત સપ્તાહે ચીનએ અમેરિકા અને બ્રાઝિલથી ૩૦ કાર્ગો સોયાબીન ખરીધયા હતા. આ માહિતીથી જાણકાર એક સ્ત્રોતએ કહ્યું કે તેમાંથી ૫૦ ટકા માલ બ્રાઝિલનો હતો. આનો અર્થ એ થાય કે આખા વિશ્વમાં બ્રાઝિલ હજુ પણ સ્પર્ધાત્મક ભાવ ઓફર કરીને જગતનો નંબર એક સપ્લાયર રહ્યું છે.

શિકાગો સોયાબીન વાયદો બીજી મેના ૧૬.૭૭ ડોલરની ઐતિહાસિક ઊંચાઈએ ગયા પછી હજુ પણ ૨૫ ટકા નીચા ભાવે બોલાય છે. નેશનલ ઓઇલસીડ પ્રોસેસર્સ એસોસિયેશને કહ્યું હતું કે ઓક્ટોબરમાં અમેરિકન મિલોએ ૧૮૩૯.૯૩ લાખ બુશેલ સોયાબીન પીલાણ કર્યું હતું, બજારની સરેરાશ ધારણા કરતાં, ઇતિહાસમાં આ ત્રીજા નંબરની સૌથી વધુ માસિક પીલાણ હતું. નિકાસકારોએ કહેવાતા ફ્લેશ સેલ સોયાબીન વેચાણના સોદા અજાણ્યા પોર્ટ માટે ૧.૬૦ લાખ ટન, સતત ચોથા દિવસે કર્યા હતા.

જો બ્રાઝિલનો વેચાણ હિસ્સો વધશે તો અમેરિકામાં માલભરાવો માથાનો દુખાવો થઈ પડશે. જે વૈશ્વિક બેન્ચમાર્ક શિકાગો વાયદાને નીચે લઈ જવાનું દબાણ સર્જશે. નવા પાક માટે બ્રાઝિલમાં વાવેતર વધ્યાના અહેવાલ આવશે તો, ભાવ ઘટાડાનું દબાણ શિકાગોમાં વધી જશે. એનાલિસ્ટઓ કહે છે કે આવી સ્થિતિમાં અમેરિકાનો ગ્લોબલ ટ્રેડિંગમાં હિસ્સો ઘટી શકે છે. 

Advertisement


 

 

 

 

 

અમેરિકન કૃષિ મંત્રાલયે કહ્યું હતું કે સોયાબીનની લણણી, ગતવર્ષની ૮૭ ટકાની તુલનાએ ૯૨ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે, પાંચ વર્ષની આ સમયની લણણી સરેરાશ ૯૩ ટકા છે. યુએસડીએ હવે પછી ૯ ડિસેમ્બરે ઉત્પાદન અનુમાનો રજૂ કરશે. આર્જેન્ટિના સરકારે સોયાબીન નિકાસ જકાત ૧૮ ટકાથી વધારીને ૩૩ ટકા, જ્યારે ઘઉ અને મકાઇ પર ઘટાડીને ૧૨ ટકા કરી હોવાથી, શક્યતા એવી છે કે આર્જેન્ટીનાના ખેડુતો આ વર્ષે સોયાબીન વાવણી ઘટાડશે. આને લીધે ખેડુતોને નિકાસ બજારમાંથી ખૂબ ઓછું વળતર મળશે. યુએસડીએ એ આર્જેન્ટિનાની સોયાબીન લણણી ૧૬૫ લાખ હેક્ટરમાંથી ૪૯૭ લાખ ટનનો ઉત્પાદન અંદાજ મૂક્યો છે.             

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)