ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): બ્રાજીલમાં વરસાદની સામાન્ય પેટર્ન સર્જાયાના અહેવાલે શિકાગો સોયાબીન કોમ્પ્લેક્સમાં નફાબુકિંગ આવતા સોમવારે સતત બીજા ટ્રેડિંગ સત્રમાં ભાવ ઘટયા હતા. આર્જેન્ટિનામાં હજુ પાક વિષે ચિંતા પ્રવર્તે છે. બ્રાજીલના ખેડૂતોએ ૪ ડિસેમ્બર સુધીમાં તેના ૨૦૨૦-૨૧ના અપેક્ષિત ઊભા પાકના ૫૬.૫ ટકા અથવા ૭૫૪ લાખ ટન સોયાબીનનું વેચાણ કરી નાખ્યું છે. બ્રાજીલની કૃષિ એજન્સી સફર્સ એન્ડ મર્કઆડો મુજબ ગયાવર્ષે આ તબક્કે ૩૪.૫ ટકા અથવા ૩૭૮ લાખ ટનનું વેચાણ થયું હતું. સફર્સે નવા પાકના અંદાજો વિક્રમ ૧૩૩૫ લાખ ટન (ભારતનું ઉત્પાદન માત્ર ૧૨૨.૫ લાખ ટન) મૂક્યા છે. બ્રાજીલે વિશ્વના સોયાબીન સૌથી મોટા સોયાબીન ઉત્પાદકનું સ્થાન અમેરિકા પાસેથી સતત બીજા વર્ષે છીનવી લીધું છે.

ચીને, અમેરિકન નવા પાકમાં મોટાપાયે ખરીદી આદરી છે. પણ બ્રાજીલના સમાચાર સોયાબીની તેજીને ટૂંકાગાળાની બ્રેક મારી છે. સોમવારે સીબીઓટી જાન્યુઆરી વાયદો ઘટીને ૧૧.૫૭ ડોલર પ્રતિ બુશેલ (૨૭.૨૧૮ કિલો) અને નવેમ્બર નવા પાકનો ભાવ ઘટીને ૧૦.૩૦ ડોલર મુકાયો હતો. છેલ્લા પાંચ સપ્તાહથી વધતાં ભાવ ગત સપ્તાહે પહેલી વખત ઘટયા હતા. એક તરફ દક્ષિણ અમેરિકાનું હવામાન સુધર્યું અને બીજી તરફ ભાવ ઘટાડાની રાહે ચીનની ખરીદી ધીમી પડી ગઈ, તેથી પણ ભાવને નીચે જવાનો માર્ગ ખૂલ્યો હતો.

અમેરીકન કૃષિ મંત્રાલયના અનુમાન પ્રમાણે ૨૦૨૦-૨૧માં આખા વિશ્વમાં તેલિબિયાનું ઉત્પાદન ગતવર્ષ કરતાં ૪ ટકા વધીને ૫૯૭૦ લાખ ટન થશે, અગાઉ આ અંદાજ ૬૦૫૦ લાખ ટન મુકાયો હતો. પણ ત્યાર પછી નવો અંદાજ સાવધાનીપૂર્વક નીચો મુકાયો છે. ૨૦૦૦ની સાલ પછી વૈશ્વિક તેલીબિયાં ઉત્પાદન બમણું થયું છે. જગતના કૂલ તેલીબિયાં ઉત્પાદનમાં સોયાબિનનો હિસ્સો અગાઉના તમામ વિક્રમો તોડીને, આ વર્ષે ૩૬૩૦ લાખ ટન અથવા ૬૧ ટકા થશે.

બ્રાજીલમાં સોયાબીન ઉત્પાદનના અગાઉના વિક્રમો આ વર્ષે તોડી નાખ્યા બાદ, માટો ગ્રાસઓ રાજ્યમાં ભાવ ઘટવા શરૂ થઈ ગયા છે. ગત સપ્તાહે સોયાબીનના ભાવ, અગાઉના સપ્તાહના ૧૭૨.૯૦ રિલ પ્રત્યેક ગુણી દીઠ (૧૪.૮૦ ડોલર પ્રતિ બુશેલ)થી ૬.૫ ટકા ગબડી ૧૬૧.૮૯ રિલ (૧૩.૮૫ ડોલર) બોલાયા હતા. સતત કેટલાય સપ્તાહ સુધી ભાવ વધારો જળવાયા પછી આ પહેલો સાપ્તાહિક ઘટાડો હતો. નવેમ્બરમાં બ્રાજીલની, ચીન ખાતે સોયાબીન નિકાસ છેલ્લા ચાર વર્ષની સૌથી ઓછી ૧૧.૫ લાખ ટન થઈ શકી હતી.

આગવી ઇન્ટર ક્રોપીંગ ટેકનોલોજી પૂરી પાડીને ચીને, પાકિસ્તાનને સોયાબીનની મબલખ ઉત્પાદકતા પ્રાપ્ત કરવામાં મદદ કરી છે. ખાસ કરીને પાકિસ્તાનના વેહારી વિસ્તારની સીંચાઈવાળી જમીનમાં આ ટેકનોલોજી વડે સોયાબીન અને મકાઈની ઉત્પાદકતા અનુક્રમે ૧૦૨૯ કિલો પ્રતિ હેકટર અને ૭૬૮૦ કિલો જ્યારે ભાવલપુર ૮૮૭ કિલો અને ૭૨૧૯ કિલો લેવામાં આવી હતી. ચાઈનીસ ઈકોનોમિક નેટના એક અહેવાલમાં કહેવાયું હતું કે ઇન્ટર ક્રોપીંગ ટેકનોલોજીએ પાકિસ્તાનમાં યીલ્ડ વૃધ્ધિના સારા પરિણામો આપ્યા છે.

ભારતમાં પણ આધુનિક પધ્ધતિથી વાવેતર લેવાતા, સોયાબીનનું યીલ્ડ (ઊપજ) ગતવર્ષ કરતાં ૨૨ ટકા વધીને આ વર્ષે સરેરાશ હેક્ટર દીઠ ૧૦૫૨ કિલો આવી હતી. પરિણામે ભારતનું સોયાબીન ઉત્પાદન ૩૨ ટકા વધીને ૧૨૨.૫ લાખ ટનની વિક્રમ ઊંચાઈએ પહોંચી ગયું છે.      

(અસ્વીકાર સૂચના: commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે)