મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી : દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. નિવૃત્તિની ઘોષણા કરતાં તેણે લખ્યું, "તે અવિશ્વસનીય સફર રહી, પરંતુ મેં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે." ડી વિલિયર્સ છેલ્લે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમ્યો હતો. તેણે RCBના મેનેજમેન્ટ અને તેના કપ્તાન રહેલા વિરાટ કોહલીનો પણ આભાર માન્યો હતો. તેણે ક્રિકેટ ફેન્સનો આભાર માનતા હિન્દીમાં થેંક યુ લખ્યું. તેઓએ કહ્યું કે હવે તે પોતાના પરિવારને પ્રાથમિકતા આપવા ઈચ્છે છે.

આઈપીએલમાં આવું પ્રદર્શન રહ્યું હતું

ડી વિલિયર્સે આઈપીએલમાં 184 મેચ રમી છે અને 5162 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 151.68 રહ્યો છે. તેણે લીગમાં ત્રણ સદી અને 40 અર્ધસદી ફટકારી છે. કુલ મળીને તેણે ટૂર્નામેન્ટમાં 413 ચોગ્ગા અને 251 છગ્ગા ફટકાર્યા છે. આઈપીએલમાં પાંચ હજારથી વધુ રન બનાવનારાઓમાં ડી વિલિયર્સ છઠ્ઠા નંબર પર છે. માત્ર વિરાટ કોહલી, શિખર ધવન, રોહિત શર્મા, સુરેશ રૈના અને ડેવિડ વોર્નરે તેના કરતા વધુ રન બનાવ્યા છે.

Advertisement


 

 

 

 

 

IPLમાં સૌથી વધુ સિક્સ મારનાર બીજો ક્રિકેટર

IPLમાં સૌથી વધુ છગ્ગા મારવાના મામલે ડી વિલિયર્સ બીજા ક્રમે છે. તેની ઉપર ક્રિસ ગેલ છે. ગેઈલે 142 મેચમાં 357 સિક્સર ફટકારી છે. આઈપીએલમાં ત્રીજો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવવાનો રેકોર્ડ ડી વિલિયર્સના નામે છે. તેણે 133 રનની ઇનિંગ રમી અને અણનમ રહ્યો. ફક્ત ક્રિસ ગેલ (175*) અને બ્રેન્ડન મેક્કુલમ (158*) એ તેમના કરતા વધુ રન બનાવ્યા છે.