મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ સાબરકાંઠા બેઠક પર ૫.૫ લાખ ક્ષત્રિય મતદારો, ૩.૫ લાખ આદિવાસી મતદારો અને એસસી અને મુસ્લિમ મતદારોની સંખ્યા વધુ હોવાથી કોંગ્રેસ પક્ષમાં ચૂંટણી લડવા મુરતિયાઓમાં હોડ જામી છે. ક્ષત્રિય ઠાકોર સેનાએ અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે અને ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોએ કોંગ્રેસે તેમની સાથે અન્યાય કર્યો હોવાનો હુંકાર કર્યો હતો. ક્ષત્રિય-ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે લોકસભાની ચૂંટણી લડવાનો નનૈયો ભણ્યા પછી તેમના નિકટના અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ અલ્પેશ ઠાકોરે કે તેમની પત્ની લોકસભાની ચૂંટણી નહીં લડે નો છાતી ઠોકીને દાવો કર્યો હતો.

બીજી બાજુ સાબરકાંઠા બેઠકમાં કોંગ્રેસ બેઠક માટે મુરતિયોએ લાઈન લગાવતા કોકડું હજુ પણ યથાવત રહ્યું છે ત્યારે ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે સાબરકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી લડવા પાછલા બારણે ધમપછાડા કર્યા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી હતી.

સાબરકાંઠા લોકસભા બેઠક પર ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર ચૂંટણી લડવા માટે તૈયારીઓ હાથધરી હોવાની ચર્ચાએ જોર પકડાતા બંને જીલ્લાના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો પણ ચોંકી ઉઠ્યા હતા અને સાબરકાંઠા લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવનાર વર્તમાન ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્ય સહીત દાવેદારોમાં હડકંપ મચ્યો છે. સાબરકાંઠા બેઠક માટે કોંગ્રેસ પેરાશૂટ ઉમેદવાર ઉતારવાની ચર્ચાથી હાલપૂરાતો ગરમાવો આવી ગયો છે. અલ્પેશ ઠાકોરે અરવલ્લી જીલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના ખભે બંદૂક મૂકી ઘા કરાવી રહ્યા હોવાની ચર્ચા કોંગ્રેસના પાયાના કાર્યકરોમાં ચાલી રહી છે.

અલ્પેશ ઠાકોરના નિકટના સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાથે ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોર સાબરકાંઠા બેઠક પર ચૂંટણી લડશે ની વાતો પાયા વિહોણી હોવાનું જણાવ્યું હતું.

ક્ષત્રિય ઠાકોર સેનાના અરવલ્લી જીલ્લાના પ્રમુખ સંજયજી ઠાકોરે અલ્પેશ ઠાકોર સાબરકાંઠા બેઠક પર ચૂંટણીના દાવેદારી કરી રહ્યા અંગે જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોર સાબરકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી લડે તો આનંદ થશે કહી આડકતરી રીતે અલ્પેશ ઠાકોરની દાવેદારીને સમર્થન આપ્યું હતું.

સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમદેવારનું કોકડું ગૂંચવાતા કોંગ્રેસ હાઈકમાન્ડ ૨ કે ૩ એપ્રિલે ઉમેદવારને સીધો મેન્ડેડ જ આપશે અને હાલ ચાલી રહેલા ઉકળતા ચરુથી નુકશાન ન થાય તેનું ધ્યાન રાખી રહી છે. આ ઉપરાંત હાલ કોંગ્રેસના કેટલાક નેતાઓની દિલ્હી બેઠેલા હાઈકમાન્ડ સાથે ચર્ચા કરી પોતાની દાવેદારીને સક્ષમ દાવેદારી સાબિત કરવાના પ્રયત્નો થાય તેમ શક્યતાઓ ચર્ચાઈ રહી છે.