મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ મહામારી દરમિયાન સોનુ સુદ ચાલતા ગામડે પહોંચેલા લોકો માટે દેવદૂત બન્યો ત્યારથી તેની લોકચાહના ઘણી વધી ગઈ છે, ઉપરાંત પણ તે પોતાના અભિનયને કારણે લોકોમાં વધુ જાણિતો ચહેરો છે. આ બોલિવુડ સ્ટારના માથે હવે ઈન્કમટેક્સનું ગ્રહણ હોય તેવી સ્થિતિ છે. જાણકારી મળી રહી છે કે સોનુસુદ સાથે જોડાયેલા 6 પરિસરોમાં ઈન્કમ ટેક્સ વિભાગે સર્વે અભિયાન શરૂ કર્યું છે. 

ઉલ્લેખનીય છે કે મહામારી અને લોકડાઉન સમયે સરકાર ક્યાંય પહોંચી શકી કે ન પહોંચી શકી પરંતુ સોનુએ લોકોને ઘર સુધી પહોંચવામાં ઘણી મદદ કરી હતી. સોનુએ આ દરમિયાન શક્ય તેટલાઓની મદદ કરી ત્યારે લોકોમાં તેની ચાહના ઘણી વધી ગઈ હતી. અહીં સુધી કે લોકો મેસેજમાં પણ કોઈ પ્રકારની મદદ માગે તો પણ શક્ય તેની મદદ કરવામાં પાછી પાની ન્હોતી કરી ત્યારે તેને લોકોની ઘણી વાહવાઈ મળી હતી. ભોજન, શિક્ષણ, ટ્રાન્સપોર્ટ, આર્થિક એવી ઘણી મદદ કરી હતી. થોડા જ દિવસ પહેલા દિલ્હી સરકારે શાળાના બાળકો માટે શરૂ કરેલા મેંટરશિપ કાર્યક્રમનો પણ તે બ્રાન્ડ એમ્બેસેડર બન્યો હતો. ગત દિવસોમાં ચર્ચા એવી પણ ચાલી હતી કે સોનુ આમ આદમી પાર્ટીમાં જોડાશે. જોકે આ નિવેદનને બાદમાં ફગાવી દીધું હતું, પણ દિલ્હી સરકારના કામોની તેણે જોરદાર પ્રસંશાઓ કરી હતી. હાલ આ સર્વેને લઈને વધુ માહિતી સામે આવી શકી નથી જે મેળવવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે.