મેરાન્યૂઝ નેટવર્ક. મુંબઈ: અભિનેતા સોનુ સૂદ આર્થિક રીતે નબળા, પરેશાન અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા હંમેશા તત્પર રહે છે. તેનું સોશ્યલ મીડિયા એકાઉન્ટ પણ આવા જ સામાજિક કાર્યથી ભરેલું છે. લોકો પ્રત્યેની નિસ્વાર્થ સેવા માટે સોનુ સૂદની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. આ કાર્ય માટે તેને સંયુક્ત રાષ્ટ્રનો પ્રતિષ્ઠિત SDG Special Humanitarian Action Award પુરસ્કાર પણ મળ્યો છે. લોકડાઉન દરમિયાન તેણે લોકોને મદદ કરવા એક અભિયાન શરૂ કર્યું હતું, જે હવે વધી રહ્યું છે.

સોશિયલ મીડિયા દ્વારા, જો કોઈએ અભ્યાસ માટે મદદ માંગી છે, તો કોઈકે વ્યવસાય માટે આર્થિક સહાયની વિનંતી કરી છે. અભિનેતાની આ દરિયાદિલી થી હવે એક યુવાનના  હાથનું ઓપરેશન થવા જઈ રહ્યું છે . એક યુવકે સોનૂને ટેગ કરતા તેના પાડોશી માટે મદદ માંગી છે, જે અંગે જવાબ આપીને સોનુ હાલમાં ચર્ચામાં છે.

કુણાલસિંહ રાજપૂત નામના વ્યક્તિએ સોનુ સૂદ અને નીતિ ગોયલને ટેગ કરતા ટ્વિટ કર્યું છે - 'મારા પાડોશીનો હાથ અકસ્માતમાં ઘાયલ થયો છે. છ મહિનાની સારવાર બાદ પણ તે સાજો થઈ શક્યો નથી કારણ કે તેઓની સારવાર યોગ્ય રીતે થઈ રહી નથી. તે ઓટો ચલાવીને પોતાના પરિવારનો ખર્ચ ચલાવે છે. જો વહેલી તકે સારવાર ન કરવામાં આવે તો, હાથ કાપવા પડે તેમ છે. તેને મદદ કરો.


 

 

 

 

 

આનો જવાબ આપતાં સોનુએ લખ્યું, 'હાથ કેવી રીતે કપાવવા દઈશ ભાઈ? તમારી સર્જરી 12 ઓક્ટોબરે નિશ્ચિત છે. ક્યારેક તમારી ઓટોમાં ફેરવજો.' સોનુ સૂદની આ મદદ બાદ, યુવક ફરીથી ઓટો ચલાવી શકશે. આ જવાબ બાદ બધે જ તેની પ્રશંસા થઈ રહી છે.

લોકડાઉન દરમિયાન સોનુ સૂદે હજારો પરપ્રાંતિય મજૂરોને તેના ખર્ચે તેમના ઘરે મોકલી દીધા હતા. સોનુ સૂદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. લોકો આના દ્વારા મદદની માંગ પણ કરતા રહે છે. આ સિવાય અભિનેતા ગરીબ લોકોને રોજગાર આપવામાં અને બાળકોને શિક્ષણ માટેનાં સાધનો પૂરા પાડવામાં મદદ કરી રહ્યા છે.