રવિ ખખ્ખર (મેરાન્યૂઝ.વેરાવળ): વેરાવળ-સોમનાથ શહેરમાં વરસાદ બાદ રાજમાર્ગો પર ખાડાઓનું રાજ હોય તેવા ર્દશ્યો ઠેર ઠેર નજરે પડી રહ્યા છે. જોડીયા શહેરમાં પાલીકા, પીડબ્લયુડી કે નેશનલ હાઇવે હસ્તકના તમામ રાજમાર્ગો એટલી હદે બિસ્માર બની ગયા છે કે, વાહનચાલકોને પસાર થવા સમયે સતત અકસ્માતનો ભય સતાવે છે. તો અંઘારામાં વાહન ચાલકો માટે જાણે અકસ્માતને નોતરૂ આપવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તેમ છતાં એક પણ જવાબદાર તંત્ર દ્વારા તાકીદે કોઇ કાર્યવાહી ન કરતું હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહયો છે.
વેરાવળ-સોમનાથ શહેરમાં અનેક મુખ્ય રસ્તાઓ વરસાદના કારણે ઘોવાઇ ગયા છે. તો ચોમાસા પૂર્વે બિસ્માર રસ્તાઓ પર ખાડાઓ બુરવા તંત્ર દ્વારા લાખોનો ખર્ચે પેચવર્ક કર્યાનું નાટક કરાયું હતું. પરંતુ જાણે મેઘરાજાએ તંત્રની વેઠ ઉતારતી કામગીરીનો પોલ ખોલી હોય તેમ સામાન્ય એવા પડેલા વરસાદમાં જ પેચવર્ક કરાયાની સાથે થોડા સમય પૂર્વે બનેલા રસ્તાઓમાંથી કપચી, રેતી અને ડામર વરસાદી પાણીમાં તણાઇ ગયેલો નજરે પડે છે. જેથી રસ્તાઓ અગાઉ બિસ્માર થતા તેના કરતા વઘુ બદતર સ્થિતિમાં ફેરવાય જાય છે. જેથી પ્રજાના ટેક્ષના કરોડો રૂપીયા પાણીમાં શ્વાહા થાય છે. આમ, જોઇએ તો શહેરના આંતરિક અને બહારની ભાગના રસ્તાઓમાં ખાડા છે કે પછી ખાડાઓમાં રસ્તો તે પ્રશ્ન લોકો તંત્રને પુછી રહ્યા છે. જીલ્લામથકના બિસ્માર રસ્તાઓ પરથી દરરોજ કલેકટર, ડીડીઓ, એન્જી. સહિતના અઘિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિઘિઓ મોંઘીદાટ એસી કારમાં નિકળી રહ્યા છે. તેમ છતાં એક પણ જવાબદારના પેટનું પાણી હલતું ન હોય તેમ નિરૂઉત્સાહની માફક લોકોની મુશ્કેલીનો નજારો નિહાળી રહ્યા છે.
હાલ જોડીયા શહેરમાં પાલીકા તંત્ર હસ્તકના જલારામ નગર, રાજેન્દ્ર ભુવન રોડ, પાલીકા કચેરીનું પટાંગણનો, ટાવરચોક, રીંગરોડ, 80 ફૂટ, મહિલા કોલેજ રોડ, સટાબજાર, બંદર રોડ, ડાભોર રોડની સોસાયટીના મુખ્ય રસ્તાઓ, પીડબ્લયુડી હસ્તકનો શહેરની મઘ્યેથી પસાર થતો દસ કીમીનો વેરાવળ સાંઇબાબાથી સોમનાથ શંખ સર્કલ સુઘીનો મુખ્ય રસ્તો પર એકથી પાંચ ફૂટ સુઘીના મસ મોટા ખાડાઓ નજરે પડે છે. વેરાવળ-સોમનાથ વચ્ચેના સાત કિમીના મુખ્ય રસ્તા પરથી દરરોજ પચ્ચાસ હજારથી વઘુ શહેરીજનો કામ કાજ અર્થે આવન જાવન કરે છે. તેમ છતાં તંત્ર રિપેરીંગ માટે તસ્દી ન લેતુ હોવાથી શહેરીજનોમાં રોષ જોવા મળે છે. આ સાત કિમીના માર્ગ પર કોઇ સર્ગભાને લઇને પસાર કરાવવામાં આવે તો પ્રસતુતા રસ્તા પર જ થઇ જાય તેવો કટાક્ષ વાહનચાલકો કરી રહ્યા છે.
જ્યારે શહેરની બહાર નેશનલ હાઇવે ઓથો. હસ્તકનો 12 કીમીના વેરાવળ-સોમનાથ બાયપાસ રોડ પર તો ઠેર ઠેર ચારથી આઠ ફૂટ સુધીના મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેથી હાઇવે પર દોડતા મોટા વાહનોને દસ કીમીનું નેશનલ હાઇવેનું અંતર કાપતા 30 મીનિટથી વઘુ સમય લાગી રહ્યો છે. જે અંગે વાહનચાલકોએ અનેકવાર ફરિયાદો કરવી હોવા છતાં રીપેરીંગ કામ ન થતા રોષે ભરાયેલા ચાલકો નજીકના ટોલબુથ પર કર્મચારીઓ સાથે બિસ્માર રસ્તાને લઇ બાખડયા હોવાના વારંવાર બનાવો બની રહ્યા છે.
જોડીયા શહેરના આંતરિક કે પછી બહારના ભાગના તમામ રસ્તાઓમાં પડેલ મસમોટા ખાડાઓના કારણે શહેરીજનોને વાહનો લઇને બહાર નિકળવા સમયે અકસ્માતનો ભય સતાવતો હોવાથી જીવના જોખમે ફરજીયાત નિકળવું પડે છે.
સોશિયલ મીડિયામાં શહેરીજનો કટાક્ષભર્યા મેસેજો મુકી રોષ પ્રગટ કરતા હોવા છતાં તંત્ર નિંભર....
જોડીયા શહેરના બિસ્માર રસ્તાઓની પરિસ્થિતિને મુશ્કેલી અંગે જીલ્લા વહીવટી તંત્રના નિંભર અઘિકારીઓ અને નિષ્ફિકર નેતાઓની કુંભકર્ણ નિંદ્રા જગાડવા સોશીયલ મીડિયાના માઘ્યમો પર શહેરીજનો કટાક્ષ રૂપી રોષની પ્રતિતિ કરાવતી પોસ્ટો અને મેસેજોનો વરસાદ વરસાવી રહ્યા છે. જેમાં વેરાવળ-સોમનાથનો વિકાસ ખાડામાં હોય કોઇએ કંઇ બોલવુ નહી... રસ્તામાં પડેલ ખાડા જળસંચય પ્રવૃતિ માટેના છે. આ સરકારની નવી ટેકનીક હોય કોઇએ ફોટા પાડી વાયરલ ન કરવા અપીલ.... એવા કટાક્ષભર્યા મેસેજો સોશિયલ મીડિયામાં કરાઇ રહ્યા હોવા છતાં હજુ સુઘી જવાબદાર નિંદ્રાઘીન તંત્રની આંખ ઉઘડી નથી.
ત્રણ વિભાગો વચ્ચે હલકી ગુણવતાના રસ્તાઓ બનાવવાની જાણે સ્પર્ઘા...
અત્રે નોંઘનીય છે કે, જોડીયા શહેરમાં પાલીકા, પીડબ્લયુડી અને નેશનલ હાઇવે ઓથો. હસ્તકના જુદા-જુદા રસ્તાઓ આવેલા છે. આ ત્રણેય સરકારી વિભાગો વચ્ચે જાણે કોણ સૌથી હલકી ગુણવતાના રસ્તાઓ બનાવી દેખાડવાની હરીફાઇ ચાલતી હોય તેવું લોકોમાં ચર્ચાય રહેલ છે. હાલ શહેરના રસ્તાઓની બિસ્માર સ્થિતિ અઘિકારી- કોન્ટ્રાકટર- નેતાઓની ભ્રષ્ટ સાંઠગાંઠનું ઉતમ ઉદાહરણ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.