મેરાન્યૂઝ નેટવર્ક.સોમનાથ : સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીકો માટે વધુ એક સેવાનું આજે લોકાર્પણ કરાયું છે. સોમનાથ મંદિરે દેશ વિદેશથી યાત્રીકો દર્શન કરવા માટે આવે છે. જો કે હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને દેશના છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી વસતા સોમનાથ મહાદેવનાં તમામ ભક્તોને મહાદેવનો પ્રસાદ ઘેર બેઠા મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમા પોસ્ટ વિભાગ દ્વારા ભકતજનો સોમનાથ મંદિરની પ્રસાદી મેળવી શકશે. પ્રસાદી મેળવવા માટે ભકતજને 251 રૂપિયા પોસ્ટમાં ચૂકવવાનાં રહેશે. 

આજરોજ સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પીકે લહેરી દ્વારા આ સુવિધાનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું. આ તકે સૌરાષ્ટ્ર કચ્છના પોસ્ટ વિભાગના ઓફીસર પણ હાજર રહ્યા હતા. પોસ્ટ વિભાગના અધીકારીએ જણાવ્યું હતું કે, દેશમાં અંદાજે દોઢ લાખ પોસ્ટની ઓફીસ છે. જેથી દેશભરમાં લોકોને સોમનાથ મહાદેવની પ્રસાદી એકદમ સરળતાથી પહોંચાડી શકાશે. તો સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં વિદેશમાં પણ વસતા ભકતજનોને પણ ઘેરબેઠા પ્રસાદી મળી રહે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.