મેરાન્યૂઝ નેટવર્ક.હિંમતનગરઃ હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં આવેલ કેન્દ્રિય વિદ્યાલયમાં ફરજ બજાવતા બે શિક્ષકોની દીકરી અને સ્ટાફ કવાટર્સમાં રહેતી બે સગીરાઓ રવિવારે સાંજના ૪ વાગ્યાના સુમારે ઘરેથી કામકાજ અર્થે નીકળ્યા બાદ અચાનક ગુમ થઈ જતા પરિવારજનોએ ભારે શોધખોળ હાથધરી હતી. તેમ છતાં બંને સગીરાનો અત્તોપત્તો ન લાગતા  સોમવારે હિંમતનગર બી. ડીવીઝના પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોધાઈ હતી. બંને સગીરાના અપહરણની ફરિયાદ નોંધાતા પોલીસતંત્ર દોડતું થયું હતું. સગીરા પાસે મોબાઈલ હોવાથી પોલીસે સગીરાઓનું મોબાઈલ લોકેશન સર્ચ કરતા હૈદરાબાદ શહેરનો વિસ્તાર હોવાનું સામે આવ્યું હતું. હૈદરાબાદ પોલીસનો સંપર્ક કરતા બંને સગીરાઓ સોશ્યલ મીડિયા થકી સંપર્કમાં આવેલા તેના મિત્રના ઘરે હોવાનું બહાર આવતા પોલીસ અને પરિવારજનો વિમાનમાર્ગે હૈદરાબાદ પહોંચ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, કેન્દ્રિય વિધાલયમાં ભણતી બે સગીરાઓ ગુમ થયા બાદ કેન્દ્રિય વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સગીરાના પિતાએ સોમવારે હિંમતનગર બી. ડીવીજન પોલીસ સ્ટેશનમાં આ બંને સગીરાઓનું અજાણ્યા શખ્સો અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી હતી.

બંને સગીરાના અપહરણની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સાયબર ક્રાઈમની મદદથી બંનેના મોબાઈલ સર્ચ કર્યા હતા . જેમાં બે પૈકી ૧૫ વર્ષની એક સગીરાને સોશ્યલ મીડિયાના માધ્યમથી 
હૈદરાબાદના એક સગીર સાથે મિત્રતા થઈ જતા ઘણા સમયથી આ બંને એકબીજાના પરીચયમાં આવ્યા હતા. દરમ્યાન ૧૫ વર્ષની સગીરાએ પોતાની સાથે ભણતી ૧૩ વર્ષની સગીરાને સાથે આવવા માટે સમજાવી બંને જણા રવિવારે હૈદરાબાદ જવા માટે નીકળી ગયા હતા.

બીજી તરફ ફરિયાદ નોંધાયા બાદ પોલીસને હૈદરાબાદનું જે લોકેશન મળ્યું હતું ત્યાં તપાસ કરતા આ બંને સગીરા આવી હોવાનું સગીરના પરિવારજનો દ્વારા જાણવા મળ્યું હતું. જેથી પોલીસે મંગળવારે બંને સગીરાના પરિવારના મોભીઓને લઈ વિમાનમાર્ગે હૈદરાબાદ પહોંચી ગયા હતા. જોકે પોલીસ અને પરિવારજનો તેમને લેવા માટે હૈદરાબાદ આવ્યા હોવાની માહિતીથી બંને સગીરાઓને અજાણ રાખવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આધુનિક યુગમાં નાના બાળકોને તેમના પરિવારજનો મોંઘા તથા ઈન્ટરનેટની સગવડ ધરાવતા મોબાઈલ લાવીને આપે છે. ઈન્ટરનેટનો ઉપયોગ જો નોલેજ માટે થાય તો તે વરદાયી નીવળે છે અને જો તેનો દુરુપયોગ તરફ વળી જવાય તો જીંદગીના કિંમતી વર્ષો વ્યર્થ બની જાય છે અને ભવિષ્ય બગાડી મુકે છે. જેના લીધે બાળકો કુછંદે ચઢી જાય છે અને જીવનમાં અકલ્પનીય ઘટનાઓને અંજામ આપે છે ત્યારે આખરે તો વાલીવારસોને સહન કરવું પડે છે, ત્યારે પરિવારજનોએ પોતાના બાળકોને અમુક ઉંમર સુધી મોબાઈલના ખોટા વ્યસનથી દુર રાખવાની જરૂર છે, તેઓને ઈન્ટરનેટ અને મોબાઈલનો યોગ્ય ઉપયોગ કરતા શિખવવાની જરૂર છે.