મેરાન્યૂઝ નેટવર્ક . કચ્છ: કચ્છનાં સફેદ રણને કારણે દુનિયાનાં પ્રવાસનના નકશામાં સ્થાન મેળવનાર કચ્છનાં રણ પ્રદેશમાં આજે ગુરુવારે સવારે ખરેખર સાચુકલો બરફનો વરસાદ થયો હતો. જેને લીધે ખાવડા પંથકમાં આવેલા રણોત્સવને માણવા આવેલા પ્રવાસીઓને રણમાં મીઠાવાળા સફેદ રણની સાથે સાથે કાશ્મીર જેવો બર્ફીલો માહોલ માણવા મળ્યો હતો. 

વાતાવરણમાં ગઈકાલ રાતથી આવેલા ફેરફારને લીધે ગુરુવારે વહેલી સવારે ત્રણેક વાગ્યાથી કચ્છનાં ખાવડા પંથકના બન્ની-પછમ વિસ્તારમાં ધોધમાર સ્વરૂપે કરા નહીં પરંતુ રીતસરનો બરફ પડવાનું શરૂ થઈ ગયું હતું. સવારે ત્રણેક વાગ્યાથી બપોર સુધીમાં તો ખાવડા પંથકમાં ત્રણેક ઇંચ જેટલો બરફ ખાબક્યો હતો. ખાવડાના કાળા ડુંગર પાસે આવેલા ધ્રોબાણા ગામ ઉપરાંત દીનારા, પૈયા, મોટા સહિત આસપાસની વિવિધ વાંઢમાં (જે ગામને મહેસુલી દરજ્જો ના મળ્યો હોય અને ત્યાં માનવ વસ્તી હોય તેવા વિસ્તારને કચ્છમાં વાંઢ તરીકે ઓળખવામાં આવે છે) બરફનો વરસાદ જોઈને સ્થાનિક લોકો પણ આશ્ચર્યમા પડી ગયા હતા.

ખાવડા ઉપરાંત પશ્ચિમ કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. અહીં કરોળિયા, ડુમરા, મંજલ સહિતના આસપાસના ગામડાઓમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો.

વહેલી સવારથી પલટાયેલા વાતાવરણની અસર બપોર સુધીમાં તો લગભગ આખા કચ્છમાં જોવા મળી હતી. બપોર બાદ જિલ્લા મથક ભુજનું વાતાવરણ તો હિલ સ્ટેશન જેવું થયી ગયું હતું. ધોધમાર લહેરાઈને પડી રહેલા વરસાદને કારણે ભુજ તથા આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં ગરમીનો પારો નીચે આવી ગયો હતો. વરસાદ અને ગાઢ ધુમ્મસને કારણે ભુજ શહેર જાણે કે કોઈ હિલ સ્ટેશન હોય તેવું લાગતું હતું.