મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નારો આપ્યો હતો કે “લડકી હું, લડ ભી શકતી હું.” (છોકરી છું, લડી પણ શકું છું) જે નિવેદન પર ભાજપના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગુરુવારે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, ઘરમાં એક છોકરો પણ છે, પણ લડી નથી શકતો. સ્મૃતિ ઈરાનીએ એક ખાનગી ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર પણ કટાક્ષ કર્યો હતો. ઈરાનીએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી વિકાસના મુદ્દે લડવામાં આવશે અને અમે નીતિ, વિકાસ અને લોકશાહીને મજબૂત કરવા અંગે ચર્ચાની અપેક્ષા રાખીએ છીએ.
પ્રિયંકા ગાંધીએ ગયા મહિને ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં 40 ટકા બેઠકો પર મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારવાની જાહેરાત કરતી વખતે “લડકી હું, લડ શકતી હું.” એવો નારો લગાવ્યો હતો. આ સૂત્રનો ઉલ્લેખ કરતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે આનો મતલબ કે ઘરે છોકરો છે પણ લડી નથી શકતો.
Advertisement
 
 
 
 
 
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રીએ પ્રિયંકા ગાંધીના મહિલા ઉમેદવારોને 40 ટકા ટિકિટ આપવાના પ્રસ્તાવ પર વળતો પ્રહાર કરતા કહ્યુ હતુ કે“આનો અર્થ એ છે કે તેઓ કહી રહ્યા છે કે તેઓ મહિલાઓને 60 ટકા ટિકિટ આપવા માંગતા નથી. અમે એવું નથી કહેતા કે લોકોએ રાજકારણમાં અને લોકશાહીમાં પ્રયાસ ન કરવો જોઈએ. વિજય અને હાર તો રાજકારણનો ભાગ છે. હું પણ 2014 હારી હતી પરંતુ સવાલ એ છે કે લોકો તમારા પ્રયાસમાં કેટલું માને છે.” ઈરાનીએ રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “શું લોકોને તેમનામાં પણ આવી ભાવના છે ? માત્ર મહિલા સમાજ માટે કામ કરવાની અપેક્ષા મહિલા પાસે ન રાખવી જોઈએ.”