મેરાન્યુઝ નેટવર્ક, જામનગર : કાલાવડ અને ધોરાજી વચ્ચેના ધોરી માર્ગ પર આજે બપોર બાદ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જામનગર તરફથી આવતી એક ઇકો કાર અને પુર ઝડપે પસાર થતા એક ટ્રકે જોરદાર ઠોકર મારી હતી. જેમાં કારમાં સવાર એક જ  પરિવારના આઠ સભ્યો કારના કાટમાળમાં ફસાઈ જતા છ વ્યક્તિઓના ઘટનાં સ્થેળે જ મૃત્યુ નીપજ્યા હતા.

જ્યારે કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોચી હતી. અકસ્માતના પગલે આજુબાજુથી લોકો એકત્ર થઇ ગયા હતા અને ૧૦૮ બોલાવી બચાવ કાર્ય હાથ ધર્યું હતું. અકસ્માત એટલો ભયંકર હતો  કે કારમાંથી મૃતકોને બહાર કાઢવા કારનો કાટમાળ તોડવો પડ્યો  હતો. આ બનાવના પગલે ટ્રક ચાલક નાશી છૂટ્યો હતો.જયારે બે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બંને ઘાયલોની હાલતપણ ગંભીર ગણાવાઈ રહી છે.

જામનગરના બેડી વિસ્તારનો પરિવાર કુતિયાણા નજીક આવેલ દરગાહે દર્શન કરવા ગયો હતો.માથું ટેકવી પરિવાર પરત ફરતો હતો ત્યારે અર્થ રસ્તે અકસ્માતનો ભોગ બની ગયો હતો. મૃતકોમાં ત્રણ પુરુષ બે મહિલા અને એક  બાળકીનો સમાવેસ થાય છે. આ ઘટનાને પગલે કાલાવડ અને જામ કંડોરણા પોલીસ દફતર અને ૧૦૮નો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો. કાલાવડ પોલીસે નાશી ગયેલ ટ્રક ચાલક સામે ફરિયાદ નોધી શોધખોળ હાથ ધરી છે.