મેરાન્યૂઝ નેટવર્ક.મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશથી એક વીડિયો વાયરલ થયો છે જેમાં તમને માનવતા મરી પરવારેલી જોવા મળશે. નીમચ ખાતે ચોરીની શંકામાં એક યુવકને લોકોએ ન ફક્ત માર્યો પણ તેને એક પીકઅપ વાન સાથે બાંધીને રોડ પર ઢસેડ્યો. ત્યાં જોકે વાત પુરી ન થઈ. આ લોકોએ તેને ત્યાં સુધી પ્રતાડિત કર્યો જ્યાં સુધી યુવકે અંતિમ શ્વાસ ન છોડ્યા. વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આરોપીઓએ યુવક સાથે જે બર્બર્તા કરી તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા એકાઉન્ટ્સથી પોસ્ટ કરાયો છે. (અહેવાલના અંતે વીડિયો દર્શાવાયો છે)

પોલીસે આ કેસમાં 8 લોકોની ઓળખ કરી છે, જેમાંથી 4 ની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ લોકો સામે હત્યા અને એટ્રોસિટી એક્ટનો કેસ નોંધવામાં આવ્યો છે. નીમચ જિલ્લાના સિંગોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના સામે આવી છે. એક ભીલ આદિવાસીને ચોર હોવાની શંકાના આધારે કેટલાક લોકોએ ખરાબ રીતે માર માર્યો હતો અને તેમ છતાં તે લોકોને સંતોષ ન લાગ્યો, પછી એક પિકઅપ વાહનની પાછળ દોરડાથી તેના પગ ખેંચીને તેને દૂર ખેંચી ગયા. આ પછી પણ યુવકને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. યુવકના મૃત્યું બાદ આરોપીઓએ પોલીસને જાણ કરી કે તેઓએ ચોરને પકડ્યો છે. સિંગોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલને નીમચ જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ થયું હતું.


 

 

 

 

 

આરોપીઓએ પોતાની તોડફોડનો વીડિયો પણ પોતે બનાવ્યો હતો અને તેને વાયરલ કર્યો હતો. જ્યારે પોલીસે આ સમગ્ર મામલાની નજીકથી તપાસ કરી તો જાણવા મળ્યું કે જે લોકોએ વીડિયો બનાવ્યો હતો, તે જ લોકોએ આ આદિવાસી વ્યક્તિને ખૂબ માર માર્યો હતો અને તેને વાહનની પાછળ ખેંચી લીધો હતો. નીમચ એસપી સૂરજ વર્માએ કાર્યવાહી કરતા આ સમગ્ર કેસમાં 8 લોકો સામે હત્યા અને એટ્રોસિટી એક્ટનો કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. મુખ્ય આરોપી મહેન્દ્રની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. આરોપી મહેન્દ્ર ગુર્જરની પત્ની બાંદાના સરપંચ છે.

45 વર્ષીય મૃતક કાન્હા ઉર્ફે કન્હૈયા ભીલ બાંદાનો રહેવાસી હતો. મરતા પહેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કન્હૈયા ભીલ આરોપીના હાથ -પગ જોડીને કહેતો હતો કે તેણે કંઈ કર્યું નથી.