મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયા અને સંગીતકાર મહેશ કનોડિયા બંનેના થોડા થોડા દિવસોના અંતરે જ થયેલા અવસાનને પગલે લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તેમની અંતિમયાત્રા દરમિયાન તેમના દર્શન માટે પણ લોકો ઉમટી પડ્યા હતા. મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ તેમના અવસાનને પગલે શોકની લાગણી વ્યક્ત કરી હતી. આ દરમિયાનમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બંને ભાઈઓ એક બીજાની સાથે સાદ પુરાવતા ગીત ગણગણાવતા હતા. જે વીડિયોમાં ગાયેલા ગીતોના શબ્દોએ ચાહકોને રડાવી દીધા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું કે, . નરેશ કનોડિયાએ ગુજરાતી ચલચિત્રજગતમાં અભિનયના ઓજસ પાથરીને દસકાઓ સુધી લોકમાનસમાં એક આગવું સ્થાન મેળવેલું, તેમનું સ્મરણ કરતાં કહ્યું હતું કે તેમનું આ યોગદાન ગુજરાતી ચલચિત્રજગતમાં સદાકાળ અવિસ્મરણીય બની રહેશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય સુપરસ્ટાર અભિનેતા, ગીત-સંગીતનાં પ્રસિદ્ધ કલાકાર અને પૂર્વ ધારાસભ્ય સ્વ. નરેશકુમાર કનોડિયાના દુઃખદ અવસાન પર દુઃખની લાગણી અનુભવુ છું. પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના સહ શ્રદ્ધાંજલી પાઠવું છું.

વાયરલ થયેલો અહીં વીડિયો દર્શાવ્યો છે જેમાં બંને ભાઈઓએ ઓ સાથી રે.... તેરે બીના ભી ક્યા જીના... તેરે બીના ભી ક્યા જીના... ગીત ગાયું છે. વીડિયો જોતાં જ બંને ભાઈઓ વચ્ચેનો પ્રેમ અનુભવી શકાય છે સાથે જ સંગીત પ્રત્યેની મહેશ કનોડિયાની રુચી અને પોતાના ભાઈને ગણગણાવતો જોઈ ખુશ થતાં નરેશ કનોડિયાના ચહેરાના હાવભાવ પણ વાંચી શકાય છે. જુઓ વીડિયો