જયેશ શાહ (મેરાન્યૂઝ.કચ્છ) : લોકડાઉન દરમિયાન કચ્છમાં ગાંધીધામથી રાજકોટ ગયેલા ગાયક કીર્તિદાન ગઢવીનો વિવાદ હજુ શમ્યો પણ નથી ત્યાં ફરી એકવાર આ કલાકાર વિવાદમાં આવ્યા છે. આ વખતે પણ તેઓ લોકડાઉન દરમિયાન કચ્છમાં આવ્યા છે. પરંતુ તેઓ નિયમ પ્રમાણે કોરોનટાઈન થયા નથી. ત્યાં સુધી કે કચ્છનાં તંત્રને તેમની આ સરપ્રાઈઝ વિઝીટ અંગે ખબર પણ નથી. તેઓ ગુજરાત સરકારનાં મંત્રી વાસણ આહીરના દીકરા ત્રિકમ આહીરના જન્મ દિવસે કચ્છનાં રતનાલ ગામે આવેલા છે. ઇન્સ્ટાગ્રામ ઉપર તેમની આ સરપ્રાઇઝ મુલાકાતના ફોટા વાઇરલ થતા સમગ્ર મામલો આગામી સમયમાં વિવાદમાં આવે તેવી સંભાવના છે.

રતનાલ ગામનાં નંદલાલ છાંગા નામના વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામમાં મંત્રી વાસણ આહીરના દીકરા ટી.વી.આહીર સાથેના ફોટા વાયરલ કર્યા છે. જેમાં કીર્તિદાન ગઢવી ત્રિકમ આહીર સાથે તેમના નવા વૈભવી બંગલામાં જોવા મળે છે. આજે રવિવારે તેમનો જન્મ દિવસ હોવાથી શનિવારે રાતે બાર વાગ્યા પહેલા જ કીર્તિદાને રતનાલ આવીને સરપ્રાઈઝ આપી હોવાનું પણ ફોટા સાથે પોસ્ટ કરવામાં આવી છે.

કચ્છમાં બહારથી આવતા લોકોને કોરોનટાઈન કરવાનો નિયમ છે ત્યારે કીર્તિદાન કોની મંજૂરીથી અને કેવી રીતે કચ્છમાં પ્રવેશ્યા તે એક મોટો પ્રશ્ન છે. કારણ કે અંજારના તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અંજારીયાના જણાવ્યા પ્રમાણે કીર્તિદાન ગઢવી નામની કોઈ વ્યક્તિ કચ્છમાં આવી નથી.

કીર્તિદાન પોતે એક સેલિબ્રેટી છે. લોકો તેમનું અનુકરણ કરતા હોય છે ત્યારે તેમની આ ચેષ્ટા લોકોમાં ખરાબ છાપ ઉભી કરે તેવી છે. તેવી જ રીતે સરકારમાં મંત્રી એવા વાસણ આહીર દ્વારા કચ્છમાં બહારથી આવેલા કીર્તિદાનને કોરોનટાઈન કરવાને બદલે ઘરમાં રાખવાની આ ઘટના વિપક્ષને વધુ એક વખત વિરોધ કરવાની તક આપશે તેમ માનવામાં આવી રહ્યું છે. સરકાર અને વહીવટી તંત્ર આ મામલે શુ કાર્યવાહી કરે છે તેની ઉપર હોવી લોકોની નજર મંડાઈ છે.