ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): છેલ્લા અઢી મહિનાથી ચાંદી તેજીના તોરીલા તોખાર પર સવાર થઇ છે, છેલ્લા ૧૦માંથી નવ સપ્તાહ સુધી તે સતત વધી છે. ગુરુવારે ઇન્ટ્રાડેમાં તો ૮ ટકાનો ઉછાળો દાખવી, ૧૮ માર્ચ ૨૦૨૦ની ૧૧ વર્ષની ૧૧.૭૩ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ)ની ૧૧ વર્ષની બોટમથી, ૮૦ ટકાના ઉછાળે ૨૩.૬૪ ડોલર બોલાઈને ૨૨.૭૮ ડોલર આસપાસ મુકાઈ હતી. ઓક્ટોબર ૨૦૧૩ પછી કોમેકસ સિલ્વર પહેલી વખત ૨૩ ડોલર વટાવી ગઈ હતી.

કોરોના મહામારીમાથી બહાર આવવા વૈશ્વિક અર્થતંત્રોને પાટા પર ચઢાવવા આવશ્યક સરકારી મદદ અને રાહત પેકેજનાં આશાવાદમાંથી જન્મેલી આ તેજી, ચાંદીને ૭ વર્ષ અને સોનાને ઓલ ટાઈમ હાઈનાં માર્ગે આગળ વધવા પ્રોત્સાહિત કરી છે. અમેરિકન સરકારના બેન્ચમાર્ક બોન્ડનાં યીલ્ડ ઘટી રહ્યા છે, તેનો સલામત મૂડીરોકાણના સાધન તરીકેનો લાભ સોનાની જેમજ ચાંદીને પણ મળવા લાગ્યો છે. સપ્લાય અછત અને વધતી માંગના મિશ્રણે પણ ચાંદીની તેજીને ટકાઉ બનાવી છે.

ચાંદી ૨૨.૫૦ ડોલરના રેસીસટન્સ લેવલે બંધ ન બતાવે ત્યાં સુધી આપણે બુલીશ મોમેન્ટમ ગણવાની રાહ જોવી રહી. ચાંદીએ કોરોનામાથી ઇન્ડસ્ટ્રીયલ માંગનો પણ સારો એવો સપોર્ટ મેળવ્યો છે. બેક્ટેરિયા પ્રૂફ ચાદર અને પેશન્ટ તથા હેલ્થ વર્કરો માટેના પોશાક અને માસ્કનાં ઉત્પાદન માટે ફાર્મા ઉદ્યોગની તેમજ સોલાર પેનલ અને વાહનો માટેની સિલ્વર લાઈનીંગ બેટરીની અત્યારે પુષ્કળ ચાંદીની માંગ નીકળી છે.

યુરોપિયન કોમનવેલ્થમાં સ્ટીમ્યુલસ (રાહત) પેકેજને મંજુરી મળી જતા, રોકાણકારો સોના અને ચાંદી બન્ને તરફ આકર્ષિત થયા હતા. આવા વધુ રાહત પેકેજો અન્ય દેશ તરફથી જાહેર થવા સાથે જ વ્યાજદર નીચે જવાની પ્રક્રિયા પણ શરુ થશે, જે સોના અને ચાંદી જેવી બિનઉત્પાદકીય, બિનઉપજાઉ (નોન યીલ્ડીંગ) એસેટ્સમાં રોકાણકારને સરણ લેવાનું નિમંત્રણ આપશે. અલબત્ત, ચાંદી તો ઔદ્યોગિક ધાતુમાં પણ ગણના પામે છે, આથી જો જાગતિક ઔદ્યોગિક પ્રવૃત્તિમાં સુધારો આવશે તો તે, ચાંદીને લાંબાગાળાની તેજીની રાહ પર લઇ જશે.

એચએસબીસીના ચીફ પ્રેસિયસ મેટલ એનાલીસ્ટ જેમ્સ સ્ટીલનું માનવું છે કે ચાંદીમાં તેજી બેસી ગઈ છે અને વધુ સમય તેજી જળવાઈ રહેવાની શક્યતા પણ છે. જે રોકાણકાર સોનાની તેજીમાં લેવાનું ચુકી ગયા છે, તેમના માટે ચાંદીના વિકલ્પો આકર્ષક બન્યા છે. અમે માનીએ છીએ કે ચાંદીને ઉપર જવાના માર્ગો હવે ખુલ્લા થયા છે. એમ કહી શકાય કે ચાંદીના તેજીવાળા હાલમાં સારું એવું કમાઈને નાણાકીય રીતે તંદુરસ્ત થયા છે.

સરકારે અત્યારે નોટ છાપવાના કારખાના ખોલી રાખ્યા છે, તે જોતા નવયુવાનોને પણ જોખમ લેવા આમંત્રિત થયા છે. જેમ્સ સ્ટીલ કહે છે કે યુવાનોની આવી ઘેલછા અમે ક્યારેય જોઈ નથી. આજના યુવાનો અબુધ કે મુર્ખ નથી, તેઓ યોગ્ય તક મળતા જ ઝડપી લેવામાં સ્માર્ટ થઇ ગયા છે. પરંતુ તેઓ અત્યારે ભલે બિનઅનુભવી જણાતા હોય પણ મોમેન્ટમની પાછળ પાડવામાં જરાય અચકાતા નથી, આ યુવાનો પર નજર રાખો, તેઓ પણ ચાંદીની તેજીને દોરવણી આપી શકે છે.             

(અસ્વીકાર સૂચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)