ઈબ્રાહીમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ) : સોના ચાંદીમાં તેજીનો મોટો ગુબ્બારો સર્જાવાની નજીક આપણે પહોંચી ગયા છીએ. હું પોતે પણ એવું માંનું છું કે ફુગાવાના આંકડા વેગથી ઊંચે જવા તૈયાર થઈ ગયા છે. ભારતીય સ્પેકયુનોમિસ્ટ કુશલ ઠાકર માને છે કે ફુગાવો એ જાગતિક સમસ્યા બનવા જઈ રહ્યો છે. ફુગાવાની ઘટનાના કાળા વાદળો આપણે જોઈ શકીએ છીએ. તે ક્રૂડ ઓઇલનો, નેચરલ ગેસ કે કૃષિ ચીજોના ભાવ ઉછાળાના ઝટકા ફટકા સમાન હશે. ઊંચા ફુગાવાદરથી નિર્મિત આ દાયકો અછતનો હશે, તેમ છતાં વ્યાજદર નહીં વધારવાના સેન્ટ્રલ બેંકોના હઠાગ્રહના મિશ્રણમાંથી સોના ચાંદીની તેજીનો ફુગ્ગો ફુલાઈ રહ્યો છે.

કુશલ ઠાકર નોંધે છે કે વૈશ્વિક ફુગાવાદર ૩ ટકા આસપાસથી ઉછળીને ૬ ટકા થવા જઈ રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં લઈએ તો આ તબક્કે કહી શકાય કે ૨૦૨૨માં આ દર કદાચ ૯ ટકા થઈ શકે છે, અને ૨૦૨૮ સુધીમાં સોનું ૫૦૦૦ ડોલર, જો આમ થાય તો ગોલ્ડ સિલવર રેશિયો ૧:૨૦ના યુગમાં પુન: પ્રવેશ કરશે. આથી ચાંદીનો ભાવ ૨૫૦ ડોલર આંકી શકાય. આ દાયકો અછતનો છે અને જેમની પાસે ફિઝિકલ સોનું કે ચાંદી નહીં હોય તેઓ વૈશ્વિક ગરીબીની વ્યાખ્યામાં આવશે. આગામી દાયકામાં ચાંદીને  ફુગાવારક્ષક તરીકે ખરીદવી અને હોલ્ડ કરવી આવશ્યક ગણાશે.

Advertisement


 

 

 

 

 

દરમિયાન આઇશેર સિલ્વર (ઇટીએફ) ટ્રસ્ટ અત્યારે સપોર્ટ લેવલ ૨૧.૮૦ ડોલર જોઈ રહ્યા છે. કુશલ ઠાકર કહે છે કે હું ચાંદીની તેજી માટે મારી જાતને બરાબર સમજાવી શક્યો છું. ચાંદી બજારામાં વધુ એક કોરોના એટેક આવી શકે છે. ૨૨.૩૦ ડોલર આસપાસના ભાવે ચાંદીમાં લેણ કરવું આ સમયે વાજબી ગણાશે. બે કીમતી ધાતુના ભાવને માપવા માટેનું માપ, ગોલ્ડ સિલવર રેશિયો ૧૨ સપ્ટેમ્બરે ૮૦ની નવી ઊંચાઈએ મુકાયો હતો, આજે ફરી ૭૯ની નીચે ગયો છે. 

૨૦ માર્ચ ૨૦૨૦ના રોજ  રેશિયો ૧૧૪.૪૬ની ઓલટાઈમ હાઈએ નોંધાયો હતો, કોરોના કટોકટી ચરમસીમાએ હતી, ત્યારે સોનું ઉછળીને પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) ૧૫૯૮ ડોલર જ્યારે ચાંદી ગબડીને ૧૩.૯૬ ડોલર મુકાઇ હતી. આ અગાઉ વિશ્વભરમાં ભયંકર મંદી અને બીજા વિશ્વયુધ્ધની નોબત વાગવા અગાઉ ૧૯૩૦માં ગોલ્ડ સિલ્વર રેશિયો ૧૦૦ની ઊંચાઈએ પહોંચ્યો હતો.

અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલએ આ સ્પાતાહે એવા સંકેત આપ્યા હતા કે ફુગાવો ટૂંકાગાળાની ઘટના બની રહેવાની, તેથી ડિસેમ્બરની મિટિંગમાં અમે આ સંદર્ભે વધુ ચર્ચા કરીશું. તેમના આ નિવેદને બજારને ચિંતામાં મૂકી દીધું હતું. ૧૯૬૦ના પાછલા તબક્કામાં અને ૧૯૭૦ના દાયકાના આરંભે આવી ઘટનાઓ અસંખ્યવાર બની હતી, તેને અવગણી શકાય તેમ નથી. એ સમયે ફુગાવો વાર્ષિક પાંચથી છ ટકાની ઊંચાઈએ પહોંચ્યો હતો, અત્યારે પણ આ જ સ્થિતિ છે. અને ત્યાર બાદ ૧૯૭૩માં ઓઇલ પ્રતિબંધ પછી તો અણધારી ઘટનાઓ બની હતી. 

Advertisement


 

 

 

 

 

ચાંદીના ભાવ સતત નીચી સપાટીએ ટ્રેન્ડ કરે છે. ગત શુક્રવારે છ કરન્સી બાસ્કેટનો ડોલર ઇંડેક્સ ઘટયા પછી વધતો રહ્યો છે. પરંતુ ટ્રેઝરી યીલ્ડ સતત ઘટતા રહ્યા છે. કોરોનાના નવા સંસ્કરણે બજારના સેન્ટિમેન્ટ પર અસર કરી છે. ઓકટોબરમાં અમેરિકન નવા ઘરોનું વેચાણ ૭.૫ ટકા વધ્યું હતું, આમ છતાં ચાંદીના ભાવ બચાવની સ્થિતિમાં રહયા છે. બજાર હવે એ જોવા માંગે છે કે નવા કોરોના જીવાણુ પરના ઇન્જેકશન અસરકારક રહે છે કે નહીં તે જોયા પછી ચાંદીના ભાવની દિશાદોર નક્કી થશે.

આ વર્ષના ૬ જૂન નોંધાયેલા ૨૯.૯૩ ડોલરના લાંબાગાળાના ચાર્ટ રેસિસ્ટંટને પાર કરવા તેજીવાળાઓએ વારંવાર નિષ્ફળ પ્રયાસ કર્યા છે. આ વર્ષની ઊંચાઇને વટાવવામાં તેઓ સફળ થઈ જશે તો, નવનવા ઊંચા ભાવ સર્જાવાની શક્યતા ખૂબ ઊજળી છે.  

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)