ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ચાંદીમાં ગુરુવારે નજીવો સુધારો જોવાયો, પણ મરેલી બિલાડીમાં જીવ આવ્યા જેવી બજારની સ્થિતિ હતી. બુધવારે રજૂ થયેલા અમેરિકન કંઝૂમર પ્રાઇસ ઇંડેકસે બુલિયન બજારને થોડી હૂંફ આપી હતી. ચાંદીના ભાવ પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) બુધવારની બોટમ ૨૩.૨૦ ડોલરથી વધીને ગુરુવારે ૨૩.૫૨ થયા હતા, પણ સાપ્તાહિક ધોરણે હજુ પણ નીચા હતા. જગતમાં સર્જાયેલી કેટલીક અનિશ્ચિતતાઓ જોતાં ટૂંકાગાળાના મોમેન્ટમ થોડા હકારાત્મક જરૂર થયા છે. આ તરફ અમેરિકન મજૂર મંત્રાલયે કહ્યું કે મહિના પ્રતિ પ્રતિ મહિના ધોરણે ગ્રાહક ભાવાંક બજારની અપેક્ષા પ્રમાણે ૦.૫ ટકા વધ્યો હતો.

આને લીધે સોના ચાંદી વધ્યા અને ડોલર નબળો પડ્યો. આજે ભારતીય સમય પ્રમાણે મોડી સાંજે  અમેરિકન બેરોજગારી ભથ્થાના આંકડા રજૂ થવાના છે, એ જોતાં ભાવમાં થોડી ઉથલપાથલ જોવા મળશે. આ આંકડાને આધારે ટ્રેડરોને જથ્થાબંધ ભાવ કેવા રહેશે, તેનું આકલન કરવા મળશે. હવે પછી ઘટનાઓ કેવાંક વળાંક લેશે, તેનું સતત આકલન થશે અને તેના આધારે ચાંદીના ભાવ આંદોલિત થશે. 

Advertisement


 

 

 

 

 

અમેરિકાના વ્યોમિંગ ખાતે જેક્શન હોલમાં તા. ૨૬થી ૨૮ ઓગસ્ટ સુધી મળનાર જગતની સેન્ટ્રલ બેંકો માટેની વાર્ષિક મોનિટરી પોલિસી સંદર્ભની કોન્ફરન્સ સુધી, સોના અને ચાંદીના ભાવ સાંકડી વધઘટે અથડાતાં રહેશે. સોના ચાંદીના, ખાસ કરીને ચાંદીના સટ્ટોડિયાઓના જીવ પડીકે બંધાયેલા રહેશે. કારણ કે જેક્શન હૉલ કોન્ફરન્સ જેમજેમ નજીક આવી રહી છે, તેમતેમ અમેરિકન ફેડરલ રિઝર્વના જુદાજુદા રાજ્યોના અધિકારીઓ તેમના રોજિંદા નિવેદનોની ભાષામાં વ્યાજદર બાબતના નવા નવા સંકેતો આપતા હોવાનું બજારનું માનવું છે, જો આવું થાય તો ડોલર મજબૂત થાય અને સોનું ૧૬૦૦ ડોલર અને ચાંદી ૨૨ ડોલર થાય તેવા ફંડામેન્ટલ્સ સર્જાય. 

સર્વસામાન્ય રીતે જોઈએ ફન્ડામેન્ટલસમાં હજુ કોઈ મોટો બદલાવ આવ્યો નથી, જે સોના ચાંદીને હજુ પણ ટેકો પૂરો પાડે છે. અહી મોસમી રીતે જોવા જઈએ તો પરંપરાગત રીતે ઓગસ્ટ મહિનાથી સોના ચાંદીના ભાવ વર્ષાન્ત સુધી ઊંચે જવાના સ્પ્રિંગ બોર્ડ પર સવાર થતાં હોય છે. જો મંદિવાળા એકાદ બે ફન્ડામેન્ટલ્સને આધારે વેચાણ કાપવા આવશે તો, આ બજાર ઊંચે જવાની સ્થિતિમાં આવી જશે.

ચાંદીના ભાવ સિઝન્સ લોથી પાછા ફર્યા છે. ટેકનિકલ રીતે લક્ષ્યાંક રેસિસ્ટન્સ નવેમ્બર ૨૦૨૦ની બોટમ ૨૧.૮૭ ડોલર અને સપોર્ટ લેવલ માર્ચ બોટમ ૨૪.૪૧ ડોલરનું છે. અમેરિકન ફેડરલ રિઝર્વે તેની છેલ્લી એફઓએમસી પોલીસ મિટિંગમાં સ્થાનિક અને વિદેશી બેન્કોને ૫૦૦ અબજ ડોલરની રેપો સગવડ આપવાની જાહેરાત કરી હતી. મૂંઝવણમાં મૂકી દે તેવી, ફેડની આવી વર્તણૂક એવા સંકેત આપે છે કે કેટલીક સ્થાનિક અને યુરોપિયન બેંકો પ્રવાહિતા અછતની સમસ્યાનો સામનો કરી રહી છે. 

Advertisement


 

 

 

 

 

રવિવારે સાંજે કેટલીક એશિયન બજારો ખુલ્લી રાખવામાં આવી, તેનાથી બજારમાં એવું માનવામાં આવી રહ્યું છે કે કઇંક ખીચડી પાકી રહી છે, જે અત્યારે સમજાતી નથી. સંગઠિત પણે સાવ ઓછા સોદે આડે આવતા ટેક્નિકલ લેવલો તોડી પાડવામાં આવ્યા હતા. એકાદ મિનિટમાં જ ચાંદીના ભાવ ૧ ડોલર તોડી પાડવામાં આવ્યા. સોનાના ભાવ શુક્રવારે ૧૭૬૨.૭૦ ડોલર બંધ રહ્યા હતા, પણ રવિવારે એકાએક ૭૫ ડોલરનું ગાબડું પાડી દેવામાં આવ્યું, અને સોમવારે ૧૬૮૮.૧૫ ડોલર ખૂલ્યા. ભારતમાં એમસીએક્સ ચાંદી સપ્ટેંબર વાયદો ગુરુવારે ઘટીને કિલો દીઠ રૂ. ૬૨,૫૪૪ મુકાયો હતો. વાયદો બે ફેબ્રુઆરી ઓલ ટાઈમ હાઇ રૂ. ૭૫,૨૧૫ થયો હતો. 

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)