ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): આ વર્ષના આરંભે ચાંદીએ ખુબ ખરાબ સમયનો સામનો કર્યો, પણ હવે લાગે છે કે તેણે સોનાની તેજી સાથે કદમતાલ શરુ કર્યું છે. જુલાઈ ૨૦૧૬મા ચાંદીએ ૨૧.૦૯ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ)ની ટોપ બનાવી હતી. ચાંદી પડતા ધોધની માફક ઘટતી રહી, ૧૮ માર્ચે ૨૦૨૦એ ૧૧.૭૩ ડોલરનું ૧૧ વર્ષનું તળિયું બન્યું. ત્યાર પછી માત્ર ૮૦ ટ્રેડીંગ સત્રમાં ભાવ ૬૮ ટકાના ઉછાળે ગુરુવારે ૧૯.૮૭ ડોલરની નવી ઊંચાઈ પ્રાપ્ત કરી.

ટૂંકમાં કહીએ તો નવી અને ટકાઉ તેજીમાં દાખલ થવા અગાઉ, ચાંદીએ ૨૧.૦૯ ડોલરની ઊંચાઈ પ્રાપ્ત કરીને કેટલાંક સપ્તાહ સુધી ટકી રહેવું પડશે. ગોલ્ડમેન સાસ કહે છે કે ઘણા ટ્રેડરો હજુ એવું માને છે કે આ બુલ રન ચાલશે કે નહી, કારણ કે છેલ્લા ૨૦ વર્ષમાં ચાંદીના ભાવે કોમોડીટી ઇન્ડેકસ બાસ્કેટનું અને સોનાના ભાવનું સમાંતર અનુસરણ જ કર્યું છે.

પણ અમેરિકા સ્થિત સ્પેક્યુનોમીસ્ટ કુશલ ઠાકર કહે છે કે સોલાર ફાર્મમાં પીવી સેલ, ફાર્મા સ્યુટીકલ કંપનીઓ દ્વારા કોરોના પેશન્ટ અને હેલ્થ વર્કરોનાં પહેરવેશ માટે બેકટેરિયા પ્રૂફ સિલવર લાઈનીંગ શીટ્સ ઉત્પાદન માટે ચાંદીની નવી ઔધોગિક માંગ નીકળી છે. જુન ૩૦ સુધીમાં વૈશ્વિક એક્સચેન્જ ટ્રેડેડ પ્રોડક્ટ (ઈટીપી)માં ચાંદીનું હોલ્ડીંગ ૩૦ જુને નવી ઓલ ટાઈમ હાઈ ૯૨૫૦ લાખ ઔંસે પહોચ્યું હતું, જે અંદાજે ૧૪ મહિનાની ખાણ સપ્લાય જેટલું થવા જાય છે.

તેઓ કહે છે કે ટૂંકાગાળાનો ઈતિહાસ તપાસીએ તો આટલી મોટી માંગ કદી જોવા નથી મળી. વર્તમાન વર્ષનાં છ મહિનાની ઈટીપી હોલ્ડીંગ ઇનફલો વૃદ્ધિ ૧૯૬૦ લાખ ઔંસ થઇ તેણે બધાને આશ્ચર્યમાં મુક્યા છે. આ અગાઉ ૨૦૦૯મા વાર્ષિક હોલ્ડીંગ ઇનફલો વૃદ્ધિ વિક્રમ ૧૪૯૦ લાખ ઔંસ થઇ હતી.

અત્યારે મહત્તમ લોકો માને છે કે ભાવનું લેવલ ૨૦ ડોલર કુદાવવું કંઇક અંશે અનિવાર્ય થઇ ગયું છે, પરંતુ સિલ્વરમાં ખુબ વોલેટીલીટીનો ગુણ સમાયેલો છે, તેથી કપાઈ મારવા ઉંધેકાંધ પડતા પહેલા સાવધાની રાખવી અત્યાવશ્યક છે. અને તમે જો વાયદામાં ખેલ પાડતા હોવ તો તમારે માટે તે ખુંવારીનું કારણ પણ બની શકે છે. અત્યારે સોના કરતા ચાંદી ઝડપથી આગળ વધી રહી છે, કુશલ ઠાકર કહે છે કે આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ૨૦ ડોલર ઉપરના લેવલ પર ઘણા બધા અંતરાયો આવીને ઉભાવાના છે.

૨૦ ડોલરનું લેવલ એ એવું ક્ષેત્ર છે, જ્યાંથી ઘણા બધા અને તાર્કિક રેસીસટન્સ પણ આવવાની સંભાવના છે. કારણ કે બજાર અત્યારે “ફોમો (ફીયર ઓફ મિસિંગ આઉટ) મોમેન્ટ,” જેને આપણે ગુજરાતીમાં તમે લઇ ગયાને અમે રહી ગયા કહીએ છીએ તેવી તેજીની સ્થિતિમાં આવી ગયું છે. નીચલા મથાળે ૧૯ ડોલર તૂટે તો સપોર્ટીવ ગણાવાને બદલે મહત્વનું રેસીસટન્સ છે સમજીને આપણે સતત આ ભાવની ઉપરના ભાવ જાળવી રાખવાના રહેશે.

બધું મળીને અહેવાલ એવા છે કે કોમેકસ સિલ્વર વાયદામાં મની મેનેજરો કહેવાતા સટ્ટોડીયા તેમના તેજીના ઓળિયા ૨૨૮૦ કોન્ટ્રેક્ટ વધારીને ૬૨,૨૧૧ સુધી લઇ ગયા છે, બરાબર આ જ સમયે મંદીના ઓળિયા માત્ર ૧૨૧૪ કોન્ટ્રેક્ટ વધારીને ૨૬૧૯૫ કરી શક્યા છે. ગત સપ્તાહની તુલનાએ અત્યારે કોમેકસ પર ચાંદીની નેટ લોંગ પોઝીશન બે ટકા વધીને ૩૬,૦૧૬ કોન્ટ્રેક્ટ ઉભી છે.

(અસ્વીકાર સુચના: commoditydna વેબસાઈટ અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલા આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)