ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): સોનું ગત સપ્તાહે ૪.૬ ટકા તૂટ્યું સામે ચાંદીએ ૧૫ ટકાની ડાઈવ લગાવી. હવે પછી માંગની અછત સર્જાશે તેનું સેલિંગ પ્રેસર આવવાનું બાકી છે, જે નવા તળિયા શોધશે. શુ હજુ એ ઘટના નથી બની? આ સવાલ મુંબઈના ટ્રેડરો પૂછી રહ્યા છે. પણ થોભો, અમે અહી કેટલાંક નવા વિચારો તમારી સમક્ષ મુકવા માંગીએ છીએ. માર્ચમાં કોરોના વાયરસની મહામારીનો ભય, જગતમાં ચિંતાનો વિષય બન્યા પછી સોના ચાંદીમાં આ સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો હતો.

ચાંદી પ્રત્યેનો રોકાણકારોમાં પ્રેમ ઓછો થતા જ સપ્ટેમ્બરમાં છેલ્લા ૯ વર્ષમાં પહેલી વખત માસિક ધોરણે ભાવ સૌથી વધુ ઘટ્યા હતા. સપ્ટેમ્બરમાં જ ૨૫ ટકાના ઘટાડાની સીમા તરફ ચાંદી અગ્રેસર છે, મે ૨૦૧૧મા જ્યારે સોનું અને શેરબજાર તળિયે ગયા હતા અને ડોલર મજબુત થયો હતો. આવી જ માસિક ઘટના આ મહીને બની છે. એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાંથી પણ માસિક ધોરણે, છ વર્ષમાં સૌથી વધુ ચાંદીનો આઉટ ફલો જોવા મળ્યો છે. 

જો સોનું વધુ નીચે જાય અને અર્થતંત્રોનું ભાવી ચિંતાજનક જોવાય તો પણ, ચાંદીને વાસ્તવમાં ઔદ્યોગિક ધાતુ ગણીને ઉપર જવાનો માર્ગ ખુલ્લો રહેશે. શુક્રવારે ડીસેમ્બર કોમેકસ ચાંદી ઘટીને પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) ૨૨.૯૮ ડોલર મુકાઈ હતી. બન્ને કીમતી ધાતુમાં એક તરફી સીધી તેજી તંદુરસ્ત રહી ન હતી. ડોલર ઇન્ડેક્સ એક જ સપ્તાહમાં વેગથી મજબૂત થયો હતો, જે છેલ્લા છ મહિનામાં પહેલી વખત બન્યું હતું. આ જોતા લોંગ લીક્વીડેશન (તેજીવાળાને હળવા થવાનું) લાંબા સમયથી આવશ્યક થઇ ગયું હતું.


 

 

 

 

 

યુએસ ફેડરલ રિઝર્વના અનેક અધિકારીઓએ કહ્યું હતું કે સેન્ટ્રલ બેંક એકલી કઈ ભાવને ટેકો આપી ન શકે અને ઈકોનોમી તો જ ફલેફૂલે જો તેમાં વાજબી નાણાપ્રવાહ વહેવડાવવામાં આવે. કરન્સી એક્સચેન્જ દરોમાં થઇ રહેલી ઉથલપાથલનું પ્રતિબિંબ મોડે મોડે સોના ચાંદીની મંદીમાં જોવા મળ્યું છે. અમેરિકન ચૂંટણીમાં જેમ અચોક્ક્સ્તામાં વધારો થશે, તેમતેમ સોના ચાંદીનો વર્તમાન ઘટાડો ટૂંકાગાળાનો પુરવાર થશે. જેમજેમ ચૂંટણીની તારીખો નજીક આવશે તેમતેમ અમેરિકામાં જાતિવાદ ઉગ્ર બનશે, જે સોના ચાંદીના ભાવને ઉંચે જવાનો માર્ગ મોકળો કરશે.

હવે અમેરિકામાં કોઈ રાહત પેકેજ આવનારું નથી. હવે પછી અમેરિકન ચૂંટણીમાં એવાએવા દાવાઓ થશે જે આખા જગતમાં વિવાદને ભડકાવશે. તેનો પ્રભાવ યુએસ ચૂંટણીના પરિણામો પર પાડવા સંભવ છે. ગત સપ્તાહે જ પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે નવેમ્બર ચૂંટણી પરિણામ કદાચ સુપ્રીમ કોર્ટને નક્કી કરવાનો વારો આવશે. ઉક્ત તમામ ઘટનાઓ ટ્રેડરો/રોકાણકારોને સોના ચાંદીની સલામત મૂડી રોકાણ સાથે યુએસ ડોલર અને ટ્રેઝરી બોન્ડની માંગ વધારવા પ્રેરશે. 

લાંબા સમયના માર્કેટ વોચર્સ હજુ પણ દ્રઢપણે માને છે કે અમેરિકન ડોલરની જ આખરે જીત થશે, તેને પગલે સોનાચાંદી અને ટ્રેઝરી બોન્ડમાં પીછેહઠ થશે. અત્યારે ૧૦ વર્ષના અમેરિકન બોન્ડનું યીલ્ડ ૦.૬૭ ટકાના દરે ટ્રેડીંગ થાય છે. ટેકનીકલ રીતે જોવા જોઈએ તો ડેઈલી ચાર્ટ બાર પર ભાવ ગબડી પડ્યા છે, તેથી ડીસેમ્બર ચાંદી વાયદાના તેજીવાળાઓએ ટૂંકાગાળાનો ટેકનીકલ લાભ ગુમાવી દીધો છે. તેજીવાળા માટે હવે પછીનો સોલીડ ટેકનીકલ રેસીસટન્સ લક્ષ્યાંક ગત ગુરુવારના ભાવ ૨૪.૬૨ ડોલર સુધી ખેંચી જવાનો રહેશે. મંદીવાળાનો લક્ષ્યાંક ૨૦ ડોલરનાં સોલીડ સપોર્ટને તોડવાનો રહેશે.
           
(અસ્વીકાર સૂચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)