મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ ભિલોડાના શામળાજી નજીક આવેલા ખેરંચા ગામે પટેલ ફળિયામાં રાંધણ ગેસની પાઈપ લીકેજ થતા ગેસ ગળતર થતા આકસ્મિક આગ ફાટી નીકળતા રસોડામાં રહેલી મહિલા દાઝી ગઈ હતી રસોડામાં લાગેલી આગ ઘરમાં પ્રસરતા ઘરવખરી બળીને ખાખ થઈ હતી. આગના ધુમાડાના ગોટેગોટા નીકળતા અને મહિલાએ બુમાબુમ કરતા આજુબાજુથી દોડી આવેલા ગામલોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગથી શરીરે દાઝેલી મહિલાને સારવાર અર્થે દવાખાને ખસેડાઈ હતી.

ખેરંચા ગામે પટેલ ફળિયામાં આવેલા કેશાભાઈ રેવાભાઈ પટેલના ઘરના રસોડામાં રહેલા રાંધણ ગેસની પાઈપ અને રેગ્યુલેટરમાં લીકેજ થતા ગેસને કારણે રસોડામાં આગ લાગતા રસોડામાં કામકાજ કરતા કેશભાઈ પટેલના પત્ની મંજુલા બેન પણ આગની ઝપેટમાં આવતા દાઝી જતા અને આગના ગોટેગોટા બહાર નીકળતા આજુબાજુથી લોકો દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવે તે પહેલા ઘરમાં રહેલું રાચ રચીલું, ઘરવખરી, ફ્રિઝ, પંખા, આરો પ્લાન્ટ અને મિક્સર મશીન સહીત ઇલેકિટ્રક માલસામાન બળીને ખાખ થતા અંદાજે બે લાખનું નુકશાન થયું હતું. ગામલોકોએ મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો અને શરીરે દાઝી ગયેલા મંજુલા બેનને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા.