મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર સોમવારે સાંજે મુંબઈમાં જ કરવામાં આવશે. તેના પિતા કે કે સિંહ પટનાથી મુંબઈ માટે રવાના થઈ રહ્યા છે. તે બે વાગ્યા સુધીમાં મુંબઈ આવી જશે. સુશાંતની બહેન અને બાકી સંબંધીઓ રવિવારે રાત્રે જ મુંબઈ પહોંચી ગયા હતા. પિતા સાથે તેના પિતરાઈ ભાઈ ભાભી પણ મુંબઈ આવી રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે આજે સાંજે 4 વાગ્યે તેને અંતિમ વિદાય આપવામાં આવશે.

પ્રાપ્ત વિગત અનુસાર સાંજે 4 વાગ્યે પવન હંસમાં તેના અંતિમ સંસ્કાર થશે. જેને પગલે સ્મશાન ઘાટ પર પોલીસ બંદોબસ્તમાં લાગી ગઈ છે.

તબીબો તરફથી બાંદ્રા પોલીસને સુશાંત સિંહ રાજપૂતની પ્રોવિઝનલ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મોકલી દેવાઈ છે. ત્રણ તબીબોની પેનલમાં સુશાંતનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેનું મોત ફાંસી પર લટક્યા પછી શ્વાસ રુંધાવાથી થયું છે.

ઘરથી નિકળતી વખતે સુશાંતના પિતા અને પરિવારજનોનો વીડિયો સામે આવ્યો હતો, જે જોતા કોઈ પણ વ્યક્તિનું હૃદય દ્રવી ઊઠે. ડગમગાતા પગલા સાથે એક પિતાનું દિકરાને અંતિમ વિદાય આપવા નિકળવું કેટલું પીડા દાયક છે, તેની કલ્પના તમે કરી જુઓ. પટનામાં સુશાંતના ઘર બહાર ભીડ નજરે પડી રહી છે અને ઘરનાઓ તેમને હાથ જોડીને હટી જવાની વિનંતી કરતા વીડિયોમાં દેખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોના વાયરસની મહામારીને પગલે લોકોની ભીડ થવી તે કેટલું જોખમી છે તે પરિવાર જાણે છે.

આપને જણાવી દઈએ કે સુશાંત સિંહનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ ગઈકાલે રાત્રે આવ્યો હતો, જેમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે આત્મહત્યાથી તેનું મોત થયું છે. જોકે, સુશાંતના અંગોને જેજે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે કે જેથી શરીરમાં કોઈ ઝેરી પદાર્થ છે કે કેમ તેનો રિપોર્ટ કાઢવામાં આવશે. અત્યારે આખો પરિવાર આંસુઓ અને દુઃખમાં છે. તેનું મૃત્યુ દેશભરના તેના ચાહકો અકલ્પનીય છે. ચાહકો ઉપરાંત બોલિવૂડ અને હોલીવુડના લોકો પણ તેના અવસાન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.