દિવ્યકાંત ભટ્ટ (મેરાન્યૂઝ.એટલાન્ટા. અમેરિકા):અમેરીકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી ખાતે જન્માષ્ટમી પર્વ અને નંદ મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં આયોજિત દ્વિતીય જન્માષ્ટમી મહોત્સવમાં એટલાન્ટા અને તેની આસપાસના શહેરોમાંથી વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જન્માષ્ટમી પર્વે યોજાયેલા ભજન સંધ્યાના કાર્યક્રમે આકર્ષણ જમાવ્યું હતું. જ્યારે નંદ મહોત્સવમાં શ્રીઠાકોરજીને ‘ચાંદીના પલનામાં’ઝુલતા નિહાળી શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા હતા.

વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં જન્માષ્ટમી મહોત્સવનું આયોજન થયું હતું. જન્માષ્ટમી મહોત્સવની વહેલી સવારે હવેલીમાં બિરાજમાન શ્રી કલ્યાણરાયજી પ્રભુને દૂગ્ધાભિષેક સ્નાનવિધિ તેમજ તિલકવિધિ યોજાઇ હતી.

ગોકુલધામ હવેલીમાં જન્માષ્ટમી પર્વ પ્રસંગે સવારે તિલક દર્શન-આરતી, બપોરે રાજભોગ દર્શન-આરતી, સાંજે શયન દર્શન-આરતી અને રાત્રે જાગરણ દર્શન યોજાયા હતા. ત્યારબાદ મધરાતે 12 વાગે જન્મ દર્શનમાં વૈદિક મંત્રોચ્ચાર અને કિર્તન-પદના ગાન સાથે ભગવાનને પંચામૃત અભિષેક સ્નાન કરાવાયું હતું. અભિષેક સ્નાન સંપન્ન થતાં વૈષ્ણવ શ્રદ્ધાળુઓએ નાચગાન સાથે નંદઘેર અાનંદભયો જય કનૈયાલાલ કી..ના જયઘોષ કરી કૃષ્ણ જન્મની વધાઇ આપતાં હવેલી પરિસર ગુંજી ઉઠ્યું હતું.

જન્માષ્ટમી મહોત્સવ પ્રસંગે ગોકુલધામ હવેલી ખાતે પૂ.શ્રી યોગેશકુમાર શાસ્ત્રીજીના વ્યાસપીઠપદે શ્રીમદ ભાગવત કથામાં કૃષ્ણ જન્મની ઉજવણી કરાઇ હતી.આ ઉપરાંત ગાયક-ગાયિકા એકેએસ એન્ડ લક્ષ્મીનો કૃષ્ણ ભક્તિ ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને શ્રદ્ધાળુઓએ રસપૂર્વક નિહાળ્યો હતો.

બીજા દિવસે રવિવારે નંદ મહોત્સવમાં નંદલાલાને ચાંદીના પલનામાં ઝુલાવાયા હતા.ગોકુલધામ હવેલી ખાતે વૈષ્ણવ શ્રદ્ધાળુઓના મનોરથરૂપે શ્રીઠાકોરજી માટે ચાંદીનું પલનું તૈયાર કરાવાયું છે. ચાંદીના પલનાના મુખ્ય મનોરથી વિપિન અને મનોરમાબહેન મજમુદાર ઉપરાંત અન્ય 200 જેટલાં સહમનોરથી વૈષ્ણવોના યોગદાનથી તૈયાર થયેલા ચાંદીના પલનામાં નંદ મહોત્સવ વેળા નંદલાલાને ઝુલાવાયા હતા. ચાંદીના આકર્ષક પલનામાં ઝુલતા ઠાકોરજીના દર્શન કરી વૈષ્ણવ શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા.

નંદ મહોત્સવની સાથે મટકી ફોડનો કાર્યક્રમ પણ ગોકુલધામના મેદાનમાં યોજાયો હતો. ડી.જે. પર વાગતી ગોવિંદા આલા રે..ની ધૂન વચ્ચે વ્રજ પટવા અને દેવ ઠાકરે મટકી ફોડતાં યુવા ટીમ અને બાળ ટીમ ઝૂમી ઊઠી હતી. ગોકુલધામની યુવા ટીમે આ કાર્યક્રમના સફળ આયોજન થકી વાહવાહ મેળવી હતી.

1000 થી વધુ વૈષ્ણવોએ માલપુવા-દૂધપાક સાથે મહાપ્રસાદનો લ્હાવો લીધો

ગોકુલધામમાં આયોજિત નંદ મહોત્સવ બાદ વૈષ્ણવ શ્રદ્ધાળુઓ માટે માલપુવા અને દૂધપાક સાથે મહાપ્રસાદની વ્યવસ્થા કરાઇ હતી. 1000 થી વધુ વૈષ્ણવોએ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો.