મેરાન્યૂઝ નેટવર્ક. ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં મુંબઈથી લઈ પાટણ, વડોદરા, અમદાવાદ જેવાં નગર પછી પાટનગર તરીકે ગાંધીનગરની સ્થાપના થઇ... ૧૯૬૮માં સાબર કાંઠે મહાત્મા ગાંધીનાં નામે રચાયેલા આ પાટનગરમાં જમીન મેળવ્યાં બાદ ત્રણ વર્ષે ૨ ઓગષ્ટ, ૧૯૬૮નાં રોજ પ્રથમ ઈંટ મુકાઈ અને ૧૯૭૧નાં વર્ષથી જનજીવનનો ધબકાર શરૂ થયો.... અને આંધી નગર તરીકે ઓળખાતું ગાંધીનગર આજે પાટનગર જ નહીં... સ્માર્ટ સીટી અને મહાનગર બની ગયું છે... જો કે આ નગરની સ્થાપનાના વર્ષ માટે સરકાર અને પ્રજામાં આજે પણ વિસંગતતા છે કે... ૧૯૬૫, ૧૯૬૮ કે પછી ૧૯૭૧...?!!!

કક્કો... બારાખડી ઉપર રાજમાર્ગોનાં નામ આપી કુલ ૩૦ સેક્ટરોની રચના કરવામાં આવી છે. જેમાં દરેક સેક્ટરોને પોણો કિલોમીટરનાં અંતરે ચોરસમાં વિભાજીત કરતાં સર્કલનાં નામ ઘ - ૧, ક - ૨, ગ - ૩... જેવાં નામ અપાયાં... જે વર્ષો સુધી રહ્યા બાદ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા લોકભાગીદારીથી આ સર્કલોનો વિકાસ કરી અલગ નામ અપાયાં... એ જ પ્રમાણે રાજમાર્ગો અને સરકારી શાળાઓને પણ રાષ્ટ્રીય નેતાઓનાં નામથી ઓળખ અપાઈ....

ગાંધીનગરમાં વર્ષો સુધી રાજય સરકાર દ્વારા સીધો વહીવટ ચલાવવામાં આવ્યો છે. અગાઉ નોટિફાઇડ એરીયા કમિટિ હતી. પરંતુ છેલ્લાં ૧૫ વર્ષથી મહાનગર પાલિકાની થયેલી રચના છતાં મોટાભાગનો કારોબાર રાજય સરકાર પાસે જ છે. હવે પેથાપુર નગરપાલિકા ઉપરાંત ગાંધીનગર તાલુકાનાં ૧૮ ગામો અને અન્ય વિસ્તારોનો ઉમેરો કરવામાં આવ્યો છે. પરિણામે વિશાળકાય થયેલાં ગાંધીનગરમાં વોર્ડ અને કોર્પોરેટરની સંખ્યા પણ વધીને ૧૧ અને ૪૪ થઈ જશે. 

ગાંધીનગરમાં વિકાસ માટે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી, બાબુભાઈ પટેલ, અમરસિંહ ચૌધરી, કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલ વગેરે એ ખાસ રસ લીધો છે. પરિણામે એક સંપૂર્ણ શહેર જેવી દરેક સેક્ટરોની રચનામાં સેક્ટર ૨૨માં આવેલાં પંચદેવ મંદિરથી લઈ ગુજરાત વિધાનસભા, ઈન્દ્રોડા પાર્ક, ૨૮નો બગીચો, સરિતા ઉદ્યાન, અક્ષરધામ, વન ચેતના, પુનિત ધામ, વગેરે આગવી ઓળખ ઉભી કરી છે. આ પછી મહાત્મા મંદિર, દાંડી કુટિર, સ્વર્ણિમ પાર્ક, સચિવાલયમાં સ્વર્ણિમ સંકુલ, સંત સરોવર, સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અને હવે અધ્યતન રેલવે સ્ટેશન પર સેવન સ્ટાર હૉટલ પાટનગરની નવી ઓળખ બની રહ્યા છે.

સંત સરોવર પાસે રિવર ફ્રન્ટ બનાવી વિકાસ કરાય તો સી - પ્લેન ઉડશે..! 

શરૂઆતમાં " મારે શું... અને મારું શું..?!!" જેવી લાગણી હતી પરંતુ સમયની સાથે બદલાયેલાં અભિગમમાં ગાંધીનગર આજે શિક્ષણ હબ બન્યું છે 

ગાંધીનગરમાં આજે સંસ્કૃતિક અને સામાજિક ધબકાર છે. ક્યારેક આ નગરની ઓળખ એકમાત્ર કર્મચારી નગર તરીકેની જ હતી. રાજમાર્ગો અને કોંક્રીટનાં આ જંગલમાં જીઆર તેમજ બદલી.. બઢતીનો જ વ્યવહાર રહ્યો છે. ત્યારે મોટાભાગે રાજ્યનાં જુદાં જુદાં વિસ્તારોમાંથી અહીં આવીને વસેલાં લોકો માટે " મારે શું... અને મારું શું..?!!" જેવી લાગણી હતી. સમયની સાથે બદલાયેલાં અભિગમમાં સ્થાનિક જિલ્લા - તાલુકાનાં લોકો વધારે રહેતાં થઈ ગયાં છે. તો બહારગામના લોકો પણ રહેણાકના પ્લોટ મળતા સૌ ગાંધીનગરા થઈ ગયાં છે.

ગાંધીનગરમાં અમદાવાદના લીંક સીટી તરીકે વિકાસ થતાં ઘણો લાભ પણ થયો છે. જેમાં શિક્ષણ હબ બનવા સાથે રાષ્ટ્રીય અને વિદેશની અનેક યુનિવર્સિટીનો લાભ યુવાનોને મળ્યો છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કારણે રમત જગતમાં રૂચિ વધી છે. પણ રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ અપાવનારી ઓછી છે. તો યુવા પ્રવૃતિઓ ખીલી જરૂર છે પરંતુ યૌવનનો ધમધમાટ દેખાતો નથી. સંત સરોવર પાસે રિવર ફ્રન્ટ બનાવી સ્પોર્ટસ અને મનોરંજનની પ્રવૃતિ વધારવામાં આવે તો કદાચ આગામી વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં અહીંથી સી - પ્લેન ઉડાડવાની પણ જાહેરાત કરવામાં આવે..!