ગુજરાતમાં કોરોનાની બીજી લહેરને નાથવા માટે સરકાર દ્વારા રાજ્યના 36 શહેરમાં મિનિ લોકડાઉન 27 મે સુધી લંબાવ્યુ છે. જો કે તેમાં આંશિક રાહત પણ આવી છે. જે અનુસાર હવે વેપારીઓ સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. આ અંગે મુખ્યમંત્રીએ પીપાવાવમાં જાહેરાત કરી હતી. જો કે 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે.

મુખ્યમંત્રીના આ નિર્ણયને પગલે રાજ્યમાં 21મેથી લારી, ગલ્લા અને વેપારીઓને 6 કલાક સુધી વેપાર-ધંધા રાખવાની છૂટ મળી છે. જો કે બપોરે 3 વાગ્યા બાદ માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, સ્વિમિંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ્સ બંધ રહેશે.

રાજ્યમાં ઉત્પાદન પ્રવૃત્તિ અને ઉદ્યોગો ચાલુ રહે તથા શ્રમિકોને કોઈ તકલીફ ન પડે તે હેતુથી તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર, જૂનાગઢ, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભૂજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલી, હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર, વેરાવળ-સોમનાથ, ડીસા, અંકલેશ્વર, વાપી. મોડાસા, રાધનપુર, કડી, વિસનગરમાં રાત્રિ કરફ્યૂની સાથે નિયંત્રણો છે. આ 36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ શરૂ છે.