મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: રાજ્યમાં પોલીસકર્મીઓ દ્વારા સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખી રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ 5 વર્ષથી ઓછી ફરજ બજાવનારા PSIએ ફરજ સિવાયના સમયમાં પોલીસ સ્ટેશનમાં હથિયાર જમા કરાવવાનું રહેશે. PSI સાથે રિવોલ્વર રાખી શકશે નહીં. તાલીમમાં રહેલા પોલીસ અધિકારીને પણ રિવોલ્વર માત્ર પરેડ અને ફાયરીગ પ્રેક્ટિસ સમયે જ સાથે રાખવા જણાવ્યું છે. VVIP અને સંવેદનશીલ બંદોબસ્ત સમયે પોલીસ અધિકારીઓની માનસિક સ્થિતિ ઉપરી અધિકારીઓ તરફથી આપવામાં આવતા ગ્રેડીગ અને સારા ગ્રેડિંગ ધરાવતા અધિકારીઓને જ હથિયાર સાથે ફરજ સોંપવા પોલીસવડા શિવાનંદ ઝાએ આદેશ કર્યા છે.

આદેશ પ્રમાણે ફરજ સિવાયના સમયે અધિકારીઓએ સરકારી હથિયાર ફરજિયાત જમાવ કરાવવા, પીઆઈ, પીએસઆઈ અને એએસઆઈ માટે આદેશો જારી કર્યા છે. પ્રોબેશન અધિકારીઓને હથિયાર ફાળવાશે નહીં માત્ર વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસ અથવા પરેડ દરમિયાન જ ફાળવાશે બાદમાં તુરંત જમા કરાવાનું રહેશે.

સિવિલ ડ્રેસમાં હથિયાર ખાસ સંજોગોમાં ઉપરી અધિકારીના આદેશ બાદ જ ફાળવાશે. આ ઉપરાંત આદેશોમાં લખાયું છે કે, પાંચ વર્ષ કરતા વધુ સમયગાળો પોલીસ વિભાગમાં ગાળ્યો હોય અને કમાન્ડો તાલીમ મેળવેલ હોય તેવાને વીવીઆઈપી સુરક્ષા દરમ્યાન કમિશ્નર અથવા એસપી કક્ષાના અધિકારીની સૂચના બાદ સરકારી હથિયાર ફાળવી શકાશે. જે પોલીસ અધિકારીઓએ વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસ દરમ્યાન ઓછામાં ઓછા 60 ગુણ મેળવેલ હોઈ તેવાને જ હથિયાર ફાળવવું. રજા દરમ્યાન પોલીસ સ્ટેશન ખાતે પોલીસને ફાળવેલ હથિયાર જમા કરાવવું. કોઈ પોલીસ અધિકારી અથવા કર્મચારી માનસિક તણાવ હેઠળ હોઈ તેવા સંજોગોમાં તેવા અધિકારીને હથિયાર ન ફાળવવામાં આવે તેમજ આવા અધિકારીને વીવીઆઈપી તેમજ સંવેદનશીલ ફરજ સોંપવી નહિ. સારા ગ્રેડિંગ ધરાવતા પોલીસ અધિકારીઓને જ વીવીઆઈપી બંદોબસ્ત દરમ્યાન ફરજ સોંપવામાં આવે તેની તકેદારી રાખવી અને તેમ છતાં આ સુચનાનો અમલ કરવામાં ન આવે તો સંબંધિત અધિકારી ની જવાબદારી નક્કી કરવામાં આવશે.

કેવડિયા આત્મહત્યા, રાજકોટ આત્મહત્યા/ખૂન, તેમજ વડોદરા આત્મહત્યાની ઘટના બાદ નિર્ણય લેવાયો છે.