પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): મૂળ બિહારના વતની અને શૈક્ષણિક કારકિર્દીમાં ઉત્તમ દેખાવ કરનાર શિવાનંદ ઝાએ 1983માં યુપીએસસી પરીક્ષા પાસ કરી ભારતીય પોલીસ સેવામાં આવવાનો નિર્ણય કર્યો. ગુજરાત કેડરના શિવાનંદ ઝા જ્યારે ગુજરાત આવ્યા ત્યારે મન વ્યથિત હતું, કારણ કે બિહારમાં હોય છે તેવો પોલીસ અધિકારીનો રોફ ગુજરાતમાં જોવા મળ્યો નહીં. ગુજરાતના મોટાભાગના લોકો કાયદાના જાણકાર હોવાને કારણે દંડાની તાકાત તેમને ડરાવી શકતી ન હતી, પણ ક્રમશઃ શિવાનંદ ઝા ગુજરાતના માહોલમાં ઢળી ગયા અને ગુજરાતમાં મન ભળી ગયું.

શિવાનંદ ઝાનો પોલીસ અધિકારી તરીકેનો બહુ લાંબો ગાળો કડક પોલીસ અમલદાર અને બિન વિવાદાસ્પદ રહ્યો. ફીલ્ડ પોલીસીંગમાં તેમની કુશળતા રહી અને તેમનો ગમતો વિષય રહ્યો. શરૂઆતના ગાળામાં તેઓ જુજ રાજકારણીઓના મિત્ર રહ્યા છતાં તેમની રાજકારણીઓ સાથેની મિત્રતા તેમની ફરજમાં અંતરાય બને નહીં તેની તેમણે તકેદારી રાખી.

મિત્તભાષી અને સામેની વ્યક્તિને પોતાની વાત સરળતાથી શિવાનંદ ઝા સમજાવી શક્તા હતા. આમ છતાં ક્યારેક આઈપીએસ હોવાનો અહમ તેમના પર હાવી થઈ જતો હતો. એક પોલીસ અધિકારી તરીકે અનેકોના જીવનમાં સારું થાય તેવી તેમની અંદરની મહેચ્છા હતી. પરિચિત અપરિચિતને ન્યાયનું છત્ર મળે તેવા તેમના પ્રયાસો હતા.

2002માં ગોધરા કાંડ પછી અમદાવાદ ભડકે બળશે તેવી દહેશત પોલીસને હતી. અમદાવાદના પોલીસ કમિશનર પદે ત્યારે પ્રશાંત ચંદ્ર પાંડે હતા. જ્યારે પોલીસ વિભાગની દ્રષ્ટિએ અમદાવાદ બે ભાગમાં વહેંચાયેલું હતું. જેને સેક્ટર વન અને સેક્ટર ટૂના નામે ઓળખવામાં આવે છે. સેક્ટર એકના એડિશનલ પોલીસ કમિશનર તરીકે શિવાનંદ ઝા હતા જ્યારે સેક્ટર ટૂમાં એન કે ટંડન હતા. પોલીસ અધિકારીઓના મનમાં જે દહેશત હતી તે આખરે સાચી ઠરી હતી. ગોધરા કાંડના બીજા દિવસે અમદાવાદ ભડકે બળવા લાગ્યું. શિવાનંદ ઝાના તાબામાં પશ્ચિમ અમદાવાદ હતું. જેમાં નવરંગ પુરા મુસ્લિમ સોસાયટી, પાલડી, જુહાપુરા, રાણીપ બકરામંડી જેવા ગીચ મુસ્લિમ વિસ્તારોનો સમાવેશ થતો હતો. ગોધરા કાંડને કારણે ગુસ્સે ભરાયેલા હિન્દુઓના નિશાના પર તે વખતે મુસ્લિમો અને તેમની મિલકતો હતી.

શિવાનંદ ઝા ધર્મે હિન્દુ હોવા છતાં તેમણે પહેરેલી ખાખીને કોઈ ધર્મનો બાધ નડતો નથી. ખાખીની ફરજ હતી માણસ મરવો જોઈએ નહીં. શિવાનંદ ઝા જાણતા હતા કે માત્ર પોલીસ ઈન્સપેક્ટર્સ અને તેમના સ્ટાફના ભરોસે બેસી રહેવું મુર્ખતા સાબિત થશે અને લગભગ ત્રણ મહિના સુધી શિવાનંદ ઝા પોતાના સ્ટ્રાઈકિંગ ફોર્સ સાથે રાત દિવસ પશ્ચિમ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં દોડતા રહ્યા.

આ તોફાનો દરમિયાન, સત્તાવાર આંકડા પ્રમાણે અમદાવાદમાં અંદાજીત 700 લોકો માર્યા ગયા હતા. જેમાં સૌથી ઓછી જાન હાની શિવાનંદ ઝાના વિસ્તારમાં હતી. શિવાનંદ ઝા જે રીતે કામ કરી રહ્યા હતા તેના કારણે ખુદ અમિત શાહ સહિત અનેક ભાજપી નેતાઓ નારાજ હતા. શિવાનંદ ઝાએ જ્યારે અમદાવાદની વટવા શેરીમાંથી 70 મુસ્લિમ તોફાનીઓને પકડ્યા અને તેમને સાબરમતી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા ત્યારે હિન્દુઓના ટોળાએ પોલીસ સ્ટેશન ઘેરી લીધું હતું અને હિન્દુઓ તે મુસ્લિમોને પોતાને સોંપી દેવાની માગણી કરી રહ્યા હતા, પણ શિવાનંદ ઝા અડીખમ રહ્યા તેમણે હિંસક બનેલા ટોળા પર ગોળી ચલાવવાનો આદેશ આપી મુસ્લિમોને સલામત સ્થળે ખસેડ્યા હતા. આવા અનેક કિસ્સા છે જેમાં મોટી સંખ્યામાં શિવાનંદ ઝાએ મુસ્લિમોને બચાવ્યા અને ભાજપીઓને નારાજ કર્યા હતા.

સમયનું ચક્ર ફર્યું અને શિવાનંદ ઝાથી નારાજ અમિત શાહ ગુજરાતના ગૃહમંત્રી થયા અને શિવાનંદ ઝાની બદલી અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનના ડેપ્યૂટી કમિશનર પદ પર થઈ. શિવાનંદ ઝા જેવા પોલીસ અધિકારી માટે આ મોટો આઘાત હતો. સમય પસાર થતો ગયો શિવાનંદ ઝા ઉપર એક અજાણ્યો ડર હાવી થવા લાગ્યો, પ્રમાણિક પોલીસ અધિકારીઓની શાન ઠેકાણે લાવવાનો રાજકારણીઓ પાસે પોલીસની બદલી એ સૌથી મોટું હથિયાર છે. બહુ ઓછા અધિકારીઓમાં એવી આંતરિક હિંમત હોય છે જે પોસ્ટિંગ માટે રાજકારણીઓના દ્વારે જતા નથી. રાજકારણની નસ ઓળખતા શિવાનંદ ઝા સમજી ગયા કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ લાંબી ઈનિંગના પ્લેયર છે અને તેમની સાથે બગાડવાની ભૂલ તેમણે કરી હતી જેની કિંમત તેમને ચુકવવી પડશે.

અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનના સુરેન્દ્ર પટેલ જેમને બધા સુરેન્દ્ર કાકાના નામે ઓળખે છે, એવું કહેવાય છે કે શિવાનંદ ઝાએ સુરેન્દ્ર કાકાને મધ્યસ્થિ બનાવી ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી તેમના મનમાં પડેલી નારાજગી દૂર કરવાનો પ્રયત્ન કર્યો અને શિવાનંદ ઝા સુરત રેન્જના આઈજીપી તરીકે મુકાયા.

શિવાનંદ ઝાને નજીકથી ઓળખનારા માને છે કે, આ તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો જ્યાં શિવાનંદ ઝાએ પોતાના અંદરનાને મારી જીવવાની શરૂઆત કરી. ત્યાર બાદ તેઓ સુરતના પોલીસ કમિશનર થયા અને યોગ્ય અયોગ્ય શું છે તેવા સવાલ પુછતા આત્માને તેમણે શાંત રહેવાનો ઈશારો કર્યો. તેઓ ત્યાર બાદ અમદાવાદના પોલીસ કમિશનર થયા અને પછી ડીજીપીનું પદ પણ તેમને મળ્યું. પોણા ચાર દાયકા સુધી ભારતીય પોલીસનો હિસ્સો રહેલા શિવાનંદ ઝાનો નોકરીનો આજે 31મી જુલાઈના દિવસે છેલ્લો દિવસ છે. તેમની નવી સફર માટે તેમને સુભેચ્છાઓ... જાણિતા પત્રકાર રવિશ કુમાર એવું કહે છે કે, ડર લાગવો તેમાં કાંઈ જ ખોટું નથી ડર લાગવો જ જોઈએ.. આવો જ ડર શિવાનંદ ઝાને પણ લાગ્યો હતો, પણ માણસ એક વખત સમાધાન કરે પછી સતત સમાધાનોનો દૌર શરૂ થાય છે. આવું જ કાંઈક શિવાનંદ ઝા સાથે પણ બન્યું.