મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈ: શિવસેના સાંસદ સંજય રાઉતની તબિયત ખરાબ થઈ ગઈ છે. તેમને મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. સંજય રાઉતની ગણના શિવસેનાનાં દિગ્ગજ  નેતાઓમાં થાય છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદથી જ સંજય રાઉત બીજેપી પર ઘણા જ પ્રહાર કરી રહ્યા છે. સંજય રાઉત શિવસેનાનાં મુખપત્ર સામનાનાં કાર્યકારી એડિટર છે. સંજય રાઉતને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ તેમને લીલાવતી હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

સંજય રાઉતની તબિયત એવા સમયે ખરાબ થઈ છે, જ્યારે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ શિવસેનાને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. શિવસેના નેતા સાંજે 6 વાગ્યા બાદ રાજ્યપાલને મળવા જશે. શિવસેનાની પાસે સાંજે 7.30 વાગ્યા સુધી પોતાનો દાવો કરવા માટેનો સમય છે.

તો સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ શરદ પવારને સમર્થન માટે અપીલ કરી છે. આ ઉપરાંત તેમની વચ્ચે પારસ્પરિક કાર્યક્રમને લઇને પણ ચર્ચા થઈ છે. સંજય રાઉત આ મીટિંગમાં હાજર રહ્યા હતા. સંજય રાઉતનાં ભાઈ સુનીલ રાઉતે કહ્યું કે, “છેલ્લા 15 દિવસથી તેમની છાતીમાં દુ:ખાવો થઈ રહ્યો હતો. તેમનું ચેકઅપ પણ થયું હતુ.” સુનીલ રાઉતે કહ્યું કે, “ચિંતાની કોઈ વાત નથી. એક અથવા બે દિવસમાં હૉસ્પિટલમાંથી રજા મળી જશે.”

મહારાષ્ટ્રમા કોની સરકાર બનશે તેને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. એનસીપી સુપ્રીમો શરદ પવાર અને શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુંબઈની હોટલમાં બેઠક મળી હતી.

સંજય રાઉત ચૂંટણી પરિણામો બાદથી જ ચર્ચામાં રહ્યા. તેઓ શિવસેનાનાં મુખપત્ર સામના અથવા સોશિયલ મીડિયા દ્વારા બીજેપી પર નિશાન સાધતા રહે છે. શિવસેના પ્રવક્તા શરૂઆતથી જ કહી રહ્યા છે કે મુખ્યમંત્રી તો શિવસેનાનો જ હશે. આ જ કારણ છે કે શિવસેનાએ બીજેપીનો સાથ છોડી દીધો છે અને હવે NCP-કૉંગ્રેસની સાથે જવા તૈયાર છે. એનસીપી અને શિવસેનામાં જો નજીકતા વધી તો તેનો શ્રેય સંજય રાઉતને જાય છે. પરિણામો બાદ બીજેપી સાથે સીએમ પદને લઇને ખેંચતાણની વચ્ચે તેમણે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદથી જ ચર્ચા થવા લાગી હતી કે શિવસેના અને એનસીપીમાં કંઇક રંધાઈ રહ્યું છે.