ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): વૈશ્વિક વ્યાપારમાં કરંટ આવતા જહાજી નુર એક વર્ષની ઉંચાઈએ પહોચી ગયા છે. આયર્ન ઓરની વ્યાપક માંગ સાથે જ બલ્ક કોમોડીટી માલવાહક જહાજ કેપ્સાઈઝનું નુર એક વર્ષની નવી ઉંચાઈએ ૩૦૦૦૦ ડોલર પહોચી ગયું છે. કેપ્સાઈઝ, પાનમેક્સ, સુપ્રામેક્સ અને હેન્ડીસાઈઝ માલ વાહક જહાજોનાં નૂરની ઉથલપાથલ દાખવતો સર્વાંગી બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ સોમવારે, કેપ્સાઈઝ અને પાનમેક્સ જહાજોના નૂરમાં ઝડપી ઉછાળો આવતા ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૯ પછીની નવી ઉંચાઈએ ૨૦૭૨ પોઈન્ટ પર પહોચી ગયો હતો.

૧.૫ લાખ ટન આયર્ન ઓર, અનાજ કે કોલસાનું વહન કરતા પરંપરાગત જહાજ કેપસાઈઝનું સરેરાશ નુર ૧૨૨૭ ડોલર વધીને સોમવારે ૩૪૨૯૩ ડોલર નોંધાયું હતું. પરિણામે કેપ્સાઈઝ ઇન્ડેક્સ ૧૪૮ પોઈન્ટ ઉછળીને ૩ જુલાઈ પછીની નવી ઉંચાઈએ ૪૧૩૫ પોઈન્ટ મુકાયો હતો. ચીન ઉચ્ચ ગુણવત્તાના આયર્ન ઓરનો આગ્રહ રાખતું હોઈ તેની આયાત બ્રાઝીલ અને ઓસ્ટ્રેલીયા જેવા દેશમાંથી કરે છે, એક શીપીંગ બ્રોકરે કહ્યું હતું કે અમારું માનવું છે કે જે રીતે આયર્ન ઓરની માંગ નીકળી છે એ જોતા કેપ્સાઈઝનું નૂર વધુ વધવાની સંભાવના છે.

સામાન્ય રીતે સરેરાશ ૬૦થી ૭૦ હજાર ટન કોલસો અને અનાજનું વહન કરતા જહાજ પાનમેક્સ જહાજી ઇન્ડેક્સ ૧૦ પોઈન્ટ વધીને ૧૩૮૩ મુકાયો હતો. પણ ગત સપ્તાહે પહેલી વખત, બે સપ્તાહ વધ્યા પછી ઘટ્યો હતો. પ્રમાણમાં નાના માલવાહક સુપ્રામેક્સ જહાજોનો ઇન્ડેક્સ ૩ પોઈન્ટ ઘટીને ૯૮૮ પોઈન્ટ, જ્યારે હેન્ડીસાઈઝ ઇન્ડેક્સ ૧ પોઈન્ટ ઘટીને ૫૯૨ પોઈન્ટ મુકાયો હતો. 


 

 

 

 

 

ચીન સિવાયના દૂર પૂર્વના દેશો માટે સુપ્રામેક્સને પણ ૨,૬૦૦૦ ડોલરનું નુર પ્રાપ્ત થવા લાગ્યું છે. કોરોના વાયરસથી આખા વિશ્વની ઇકોનોમીમાં મુશ્કેલી સર્જાઈ છે, ત્યારે ચીને પોતના આર્થિક વિકાસ માટે ઘણા બધા નીતિ વિષયક નિર્ણયો લેતા, આયર્ન ઓર વાયદો તેજીના પાટે ચઢી ગયો છે.

કોરોના વાયરસ મહામારી દરમિયાન આખા વિશ્વમાં બંધ લાદવામાં આવ્યો હતો, પણ ચીનમાં તે ખુલાયાના એક જ સપ્તાહમાં વેપાર રોજગાર પાટા પર ચઢી જતા, ચીનના સ્ટીલ ઉત્પાદકો તરફથી માલવાહક જહાજોની માંગ વધી ગઈ હતી. ગત સપ્તાહે જહાજી નુરબજારમાં ચીનની સપ્તાહ લાંબી રજાઓ શરુ થતા અગાઉ બજારમાં વ્યાપક ચહલપહલ જોવા મળી હતી, એ દાખવે છે કે નુર ભાડામાં હજુ વધુ વૃદ્ધિ બાકી છે. 

પેસિફિક બેસીન સાથે ચીન અને કોરિયામાં રજાઓ પડી જતા ટૂંકાગાળા માટે  નૂરની વધઘટ કદાચ ધીમી પડશે. મધ્ય પાનખરમાં દૂર પૂર્વના દેશોમાં તહેવારોની મોસમ લાગી જતા નુરબજારમાં કામકાજનું પ્રમાણ સાવ ઘટી જતું હોય છે, પરિણામે માંગ અભાવે નુર ભાવ પર તેની અસર જોવાતી હોય છે. 
   
(અસ્વીકાર સૂચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)