ઈબ્રાહીમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ) : કેપસાઇઝ અને પાનામેક્સ જેવા જથ્થાબંધ કચામાલ વાહક જહાજી નૂરનો બાલ્ટિક ડ્રાય ઇંડેક્સ સોમવારે સતત ત્રીજા દિવસે ઘટી ૨૭૫૯ પોઈન્ટ રહ્યો હતો. દોઢ લાખ ટન આયર્ન ઓર અને કોલસા જેવા માલોનું વાહન કરતાં કેપસાઇઝ જહાજોનો ઇંડેક્સ સતત પાંચ ટ્રેડિંગ સત્રમાં વધ્યા પછી ઘટી ૩૭૫૩ પોઈન્ટ, જ્યારે ૬૦થી ૭૦ હજાર ટન અનાજ અને કોલસા જેવી ચીજોનું વાહન કરતાં પાનમેક્સ જહાજી ઇંડેક્સ ૩.૨ ટકા ઘટીને પાંચ મહિનાના તળિયે ૨૯૩૦ પોઈન્ટ રહ્યો હતો.

ફુગાવાના પડછાયામાં રહીને બીડીઆઈ ઓકટોબર અગાઉ સતત વધતો રહ્યો, ૭ ઓક્ટોબરે તે એક દાયકા કરતાં વધુ નવી ઊંચાઈએ ૫૬૫૨ પોઈન્ટે મુકાયો હતો. ત્યાર પછી તો આખા વિશ્વમાં નૂરદરો ઘટતા રહેતા ઇંડેક્સ ૫૭ ટકાના એકતરફી ગાબડે જૂન ૨૦૨૧ના તળિયે પાછો ફર્યો હતો. સતત પાંચ સપ્તાહના ઇંડેક્સ ઘટાડા પછી ગત સપ્તાહે પહેલી વખત વૃધ્ધિ થતાં નૂરદલાલો માનવા લાગ્યા છે કે ૨૦૨૧ના બાકીના સમયમાં ફુગાવા વૃધ્ધિમા રાહત મળશે.

Advertisement


 

 

 

 

 

એનાલિસ્ટો માને છે કે વર્તમાન ત્રિમાસિકમાં ઇંડેક્સ વધીને ૨૯૧૮ પોઈન્ટની ઊંચાઈએ જઈ શકે છે. તેઓ એવું પણ માને છે કે આગામી ૧૨ મહિનામાં આ ઇંડેક્સ ૩૨૮૧ પોઈન્ટ થઈ શકે છે. બીડીઆઈને કોમોડિટીની માંગ વ્યાપક અસર કરે છે. ભાવ ભલે ગમ્મે તે હોય પણ મૂળભૂત અસર કોમોડીટીનો જથ્થો કરે છે. જો ધારણા મુજબ ભાવિ માંગમાં બદલાવ આવશે અને ઉત્પાદકો તેમના કચામાલની આવશ્યકતા ઘટાડશે તો, ઇંડેક્સ નીચે જવા લાગશે.

દરમિયાન સુપ્રામેક્સ ઇંડેક્સ એક સાથે ૧૫ સત્રમાં ઘટયા પછી શુક્રવારે ૦.૧ ટકા વધી ૨૫૫૩ રહ્યો હતો. અલબત્ત, મોટી સાઈઝના કેપસાઇઝ વેસલના નૂર મજબૂત રીતે વધતાં, બીડીઆઈ સતત પાંચ સપ્તાહના ઘટાડા બાદ ગત સપ્તાહે પહેલી વખત ૩.૪ ટકા વધ્યો હતો. વિશ્વના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક ચીનની માંગ ઘટવાને લીધે આયર્ન ઓરના ભાવ પણ સતત પાંચમા સપ્તાહે શુક્રવારે પણ ઘટયા હતા. સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક ચીનની નબળી માંગ ચિંતાનો વિષય છે.

કેપસાઇઝ જહાજોની દૈનિક સરેરાશ નૂર આવક સોમવારે ૬૯૮ ડોલર ઘટીને ૩૧,૧૩૭ ડોલર રહી હતી. પાનામેક્સની સરેરાશ દૈનિક નૂર આવક ૮૬૭ ડોલર ઘટીને ૨૬૩૭૦ ડોલર મુકાઇ, પરિણામે  ઇંડેક્સ સતત પાંચમા મહિને ઘટીને ૨૮૦૫ પોઈન્ટ રહયો હતો. સુપ્રામેક્સ સતત ૧૫ સત્ર ઘટ્યો હતો. સોમવારે આ ઇંડેક્સ ૬ પોઈન્ટ વધુ ઘટીને ૨૨૫૯ પોઈન્ટ રહ્યો હતો. ગત સપ્તાહે આ ઇંડેક્સ ૬.૭ ટકા ઘટ્યો હતો.

Advertisement


 

 

 

 

 

જો સપ્લાય ચેઈન આ જ પ્રમાણે અપૂરતી રહેશે તો આગામી ત્રિમાસિકમાં પણ આવો નૂરદર અને ઇંડેક્સ ઘટાડો જળવાઈ રહેશે. અલબત્ત, એટલું તો કહી શકાય કે વર્તમાન બીડીઆઈ ઘટાડો ફંડામેન્ટલ્સને ઓવર રીએકટ કરી રહ્યો છે. ખાસ કરીને આની પાછળ મીડિયાની ખાસ કોઈ ભૂમિકા નથી, એ વાસ્તવિક ચિત્ર રજૂ કરવા પ્રયાસ કરે છે. બીજું એ કે આપણે એ સમજવું રહ્યું કે ઇંડેક્સ એ માત્ર ઇન્ડિકેટર નથી, પણ આખી દુનિયાના વેપાર અને ઉત્પાદન પ્રક્રિયાનું સત્યદર્શન કરાવે છે.

અત્યારે તો આપણી સામે એક અને મહત્વનું કારણ એ જણાય છે કે ચીનમાં આયર્ન ઓરની અને તેથી જહાજોની માંગ ઘટી ગઈ છે. ચીનમાં એવરગ્રાન્ડ કન્સ્ટ્રક્શન કંપનિનો ફિયાસ્કો થયો, ત્યાર પછી તો ત્યાં અનેક ઊધ્યોગોની ઉત્પાદન પ્રક્રિયા ખરડાઇ છે. સાથે જ ચીનના અર્થતંત્રે પણ બાલ્ટિક ડ્રાય ઇંડેકસ પર વ્યાપક અસર ઊભી કરી છે.  

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)