મેરાન્યૂઝ નેટવર્ક.શિમલાઃ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશનના પૂર્વ ડાયરેક્ટર અને નાગાલેન્ડના પૂર્વ રાજ્યપાલ એવા અશ્વિનીકુમારએ શિમલા સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. તેમણે ફાંસો લગાવીને આત્મહત્યા કરી છે, જે અંગેની જાણકારી પોલીસે આપી છે.

જોકે પ્રારંભીક રીતે પોલીસ સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર શિમલા સ્થિત બ્રાક હાસ્ટમાં તેમના ઘરે તેમની લાશ લટકતી હાલતમાં મળી આવી છે. પૂર્વ આઈપીએસ અધિકારીએ આવું ચોંકાવનારું પગલું કેમ ભર્યું હશે, તેની જાણકારી હજુ સામે આવી નથી. હાલ એસપી શિમલા મોહિત ચાવલાની દેખરેખમાં પોલીસની ટીમ સ્થળ પર કાર્યવાહી કરી રહી છે. (આ લખાય છે ત્યારે).

પોલીસને સ્થળ તપાસ દરમિયાન અંતિમ ચિઠ્ઠી મળી આવી છે જેમાં તેમણે જીંદગીથી પરેશાન થઈને પોતાની આગળની યાત્રા માટે નિકળી રહ્યો છું તેવું લખ્યું છે. આત્મહત્યાની આ ઘટનાએ લગભગ તમામને ચોંકાવી દીધા છે.

તેઓ 2008માં સીબીઆઈના ડાયરેક્ટર પદ પર હતા ત્યારે એજન્સી આરૂષિ તલવાર હત્યા કેસની તપાસ કરી રહી હતી. કુમારે વિજય શંકરની જગ્યાએ સીબીઆઈનું ડાયરેક્ટર પદ સંભાળ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે કુમાર બાદમાં નાગાલેન્ડના રાજ્યપાલ બન્યા હતા. કુમાર હજુ શિમલામાં એક ખાનગી વિશ્વવિદ્યાલયના કુલપતિ હતા. 

[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. દરેક સ્થિતિ એક ગરમ દુધના ઉભરા સમાન હોય છે જે ચોક્કસ સમયે પાછી મૂળ સ્થિતિમાં આવે છે. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. તેમને ફોન કરી મદદ માગી શકો છો.]