મેરાન્યૂઝ નેટવર્ક.વડતાલઃ આજ રોજ ૧૯૩ વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે વડતાલ મુકામે હરિમંડપમાં બેસીને શિક્ષાપત્રીનું લેખન કર્યું હતું. એ ભૂમિમાં આચાર્યો રાકેશપ્રસાદ મહારાજના આશીર્વાદ સહ હસ્તપ્રતમાં સચવાયેલી શિક્ષાપત્રીનું સમૂહ પૂજન કરવામાં આવ્યું હતું. ૧૯૩ વર્ષથી સંપ્રદાયના બંધારણીય ગ્રંથ તરીકે માન્ય શિક્ષાપત્રીને સ્વામિનારાયણ ભગવાનનું વાણીસ્વરૂપ માનવામાં આવે છે. આજ રોજ દેશ વિદેશમાં વસતા લાખો અનુયાયીઓ શિક્ષાપત્રીનું યથોચિત પૂજન અર્ચન કરે છે.

વડતાલમાં શિક્ષાપત્રી લેખન સ્થાન હરિમંડપ આગળ પ્રાંગણમાં ઊપસ્થિત ભક્તોએ પૂજન કરીને પુષ્પાભિષેક કર્યો હતો. ડો સંત સ્વામી, ઘનશ્યામ સ્વામી –સારંગપુરવાળા, બ્રહ્મસ્વરૂપ સ્વામી, નારાયણચરણ સ્વામી બુધેજ કોઠારી, ભક્તિ સ્વામી, હરિયાળા ગુરુકુલ પી સી સ્વામી ભૂમેલ, આનંદ સ્વામી વિદ્યાનગર ગુરુકુલ વગેરે ૫૦થી વધુ સંતો ખાસ હાજર હતા અને આશીર્વાદ આપ્યા હતા. હરિયાળા ગુરુકુલ, ભમેલ ગુરૂકૂલ તથા વિદ્યાનગર ગુરૂકૂલના વિદ્યાર્થીઓ ખાસ આવ્યા હતા.

આજના યજમાન હરિકૃષ્ણભાઈ ભાનુભાઈ પટેલ કરોલી, હાલ આફ્રીકા તથા શેઠ ઘનશ્યામભાઈ શિવાભાઈ પટેલ ખાંધલીવાળા પરિવારને સંતોએ પુષ્પોની પાંખડીઓથી વધાવ્યા હતા. ત્યાર જે ભવનમાં બેસીને હરિએ શિક્ષાપત્રી લખી તે ભુવન પર દાતા ઘનશ્યામભાઈ અને કોઠારી સંત સ્વામી, શ્યામ સ્વામીના હસ્તે કળશ સ્થાપન કરવામાં આવ્યા હતા અને આજ રોજ વડતાલ મંદિર નિર્માણ કરતા બ્રહ્માનંદ સ્વામીના ૨૪૭માં જન્મદિવસે પાડગોલ સત્સંગ મંડળ દ્વારા ૧૦૦ કિર્તનોનું ગાન કરવામાં આવ્યું હતું. અ નિ નાથજીભાઈ શુકલ મંડળના સભ્ય પૂર્વ હાઈકોર્ટ જજ અશોકભાઈ એલ દવે પરિવાર દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો. આજ વસંતપંચમીના રોજ ૨૦,૦૦૦ વીસ હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું છે.