કિરણ કાપૂરે (મેરાન્યૂઝ.અમદાવાદ): ચીનની વિવાદીત લેબ ‘વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી’ વાઇરોલોજીસ્ટ શિ ઝેન્ગલી (Shi Zhengli) એકાએક પ્રકાશમાં આવેલું નામ છે. શિ ઝેન્ગલી‘બેટ વુમન’ના નામથી ઓળખાય છે. વુહાનમાં કોરોના પ્રસર્યો ત્યારે શિ ઝેન્ગલીને સૌથી પહેલાં પૂછવામાં આવ્યું હતું કે, આ વાઇરસના મૂળ ક્યાં છે શોધી કાઢો? ચીનના વાઇરોલોજી સમૂહમાં સૌ કોઈ જાણતા હતા કે કોરોના વિશે આધારભૂત માહિતી માત્ર શિ ઝેન્ગલી આપી શકે છે!શિ ઝેન્ગલી છેલ્લા સોળ વર્ષથી બેટ(ચામડચીડિયા)માંથી આવનારાં વાઇરસ વિશે કામ કરી રહ્યાં છે. 2002-03માં જ્યારે ચીનમાં ‘સાર્સ’ની બીમારી પ્રસરી ત્યાર પછી શિ ઝેન્ગલી‘સાર્સ’ના મૂળીયા ક્યાં છે તે વિશે ગહન અભ્યાસ શરૂ કર્યો. આ માટે શિ અને તેની ટીમ ચીનનાં અંતરીયાળ જગ્યાઓ ખૂંદી વળ્યાં. અહીંયાથી તેમણે ચામડચીડિયાનાં લોહી અને લાળના નમૂના લીધા. ચામડચીડિયાનાં મોટા ભાગના આ રહેઠાણો દૂરસુદૂર ગુફામાં આવ્યા હતા. તેમાં વાઇરસ સાથે સંપર્કમાં આવવાનું તો જોખમ હતું, સાથે ત્યાં પહોંચવાના પડકાર હતા. આ રીતે વાઇરસના મૂળીયા શોધવાની પ્રક્રિયા સોળ વર્ષથી ચાલી રહી છે અને હજુ ચાલુ છે.

કોરોના પરિવારનો‘સાર્સ’ ક્યાંથી માનવીના શરીરમાં આવ્યો તેનું ઠોસ સંશોધન કાર્ય શિ ઝેન્ગલીએ કર્યું છે, અને ‘સાર્સ’ ચામડચીડિયામાંથી આવ્યો છે તે અંગે તેમણે પ્રતિષ્ઠિત સાયન્સ મેગેઝિન ‘નેચર’માં રિસર્ચ પેપર લખ્યું છે.આ પેપરની પ્રકાશિત તારીખ ડિસેમ્બર, 2018 છે. શિએ જે રીતે આ ક્ષેત્રમાં કામ કર્યું છે તેથી તેઓ કોરોના વાઇરસ સંબંધિત વિગતે વાત કરી શકે છે. એટલે જ જ્યારે વુહાનમાં પહેલાંવહેલાં કોવિડ-19 બીમારી પ્રસરી ત્યારે તે અંગે તેમની ત્વરીત પ્રતિક્રિયા હતી કે, વુહાનમાં આ બીમારી પ્રસરે તેવી સંભાવના નહીવત્ હતી, કારણ કે શિ મુજબ ચીનના દક્ષિણ ભાગમાં આવેલાં ગુઆંડગોન્ગ, ગુઆન્ક્સી અને યુન્નાન ક્ષેત્ર વાઇરસ બોમ્બ પર બેસેલાં રાજ્યો છે.

રિસર્ચ દરમિયાન શિ ઝેન્ગલીનું ધ્યેય ‘સાર્સ’ જેવી બીમારી ફરીથી ન પ્રસરે તે હતું. શિ ઝેન્ગલી‘સાર્સ’ને અટકાવવાની કડી પણ શોધી શક્યાં છે. યુન્નાન રાજ્યમાંથી શિતોઉ ગુફામાંથી પાંચ વર્ષની ગહન શોધખોળ બાદ શિ અને તેમની ટીમ ચામડચીડિયાનાં સેમ્પલ લઈને એવું સાબિત કરી શક્યા કે કોરોના વાઇરસના હજારો પ્રકાર અહીં મોજૂદ છે. મહદંશે તેઓ નુકસાનકર્તા નથી, પણ બાર જેટલાં કોરોના વાઇરસના પ્રકાર ઘાતકી છે. ચામડચીડિયાના વિવિધ પ્રકારમાં ‘હોર્સશોઇ બેટ’માં કોરોના બીમારી જન્મે છે, તેવાં પ્રમાણ વધુ મળ્યાં છે.

આજે વિશ્વભરના વાઇરોલોજી શિનો સંપર્ક સાધીને માહિતી મેળવી રહ્યાં છે. તેમની પાસે ચામડચીડિયાનો જંગી ડેટાબેઝ ઉપલબ્ધ છે. તેઓનું નામ આજે ઇન્ટરનેટ પર પહેલાં કરતાં બે હજાર ગણું સર્ચ થઈ રહ્યું છે. પરંતુ આ પ્રસિદ્ધી વચ્ચે તેઓનું નામ કોરોના પ્રસરાવનાર તરીકે પણ આવ્યું છે. અમેરિકાના અખબારોમાં એવાં રિપોર્ટ પ્રકાશિત થયાં છે જેમાં કોરોના પ્રસરવાનું કારણ વુહાનની લેબને ગણવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પ્રયોગ દરમિયાન જાણીજોઈને આ વાઇરસ લીક કરવામાં આવ્યો. શિએ જ્યારે કોરોનાની પહેલીવહેલી ખબર સાંભળી ત્યારે તેમને પણ એમ થયું કે વુહાનમાં વાઇરસ પ્રસર્યો છે તેમાં ક્યાંક વુહાનની લેબમાં તો ભૂલ નથી થઈ ને. તેઓ પાછલાં વર્ષોનો ટ્રેક ફરી જોઈ ગયા અને ચીનના વહિવટિતંત્રને વિશ્વાસ અપાવ્યો કેકોરોના વાઇરસને લેબ સાથે કોઈ લેવાદેવા નથી. લેબમાં જે સેમ્પલ હતાં, તેની સાથે વર્તમાન વાઇરસના લક્ષણો મેચ થતાં નહોતાં. તેમ છતાં ચીનના શાસન પર વિશ્વને ભરોસો નથી અને હજુ પણ એવાં દાવા થઈ રહ્યાં છે કે વાઇરસને ચીન દ્વારા નિર્માણ કરવામાં આવ્યો છે. પરંતુ વિશ્વભરનાં જાણીતા વાઇરોલોજિસ્ટ આ દાવો નકારે છે તેમના મતે વાઇરસને લેબમાં તૈયાર કરવો અશક્ય છે. આ અંગે શિની છેવટની પ્રતિક્રિયા કંઈ આવી હતી :“હું સોગનખાઈને કહું છું વુહાનની લેબ સાથે કોરોના વાઇરસનોકોઈ સંબંધ નથી.”