મેરાન્યૂઝ નેટવર્ક.શહેરાઃ પંચમહાલ જીલ્લાની શહેરા તાલુકા પંચાયતના વિપક્ષના નેતા જે.બી.સોલંકી સામે તડીપાર કેમ નહીં કરવા તેવી કારણદર્શક નોટિસ બાદ રાજકીયક્ષેત્રે ગરમાવો જોવા મળી રહ્યો છે. જેમાં નોટિસ આપ્યા બાદ શનિવારના રોજ શહેરા સેવાસદનમા આવેલી પ્રાન્ત કચેરી ખાતે સુનાવણી રાખવામાં આવી હતી. જેમાં વિપક્ષના કોંગ્રેસ નેતા જેં. બી. સોંલકી પોતાના વકીલ સાથે હાજર રહ્યા હતા.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકા પંચાયતના વિપક્ષના નેતા જસવંતસિંહ બી. સોલંકી સામે પ્રાન્ત કચેરી દ્વારા તડીપાર કેમ ન કરવા તેવી કારણદર્શક નોટિસ પાઠવામાં આવી હતી. જેને લઈને શનિવારના રોજ પ્રાન્ત કચેરી ખાતે સુનાવણી રાખવામાં આવી હતી. જેમાં વિપક્ષના નેતા જે. બી. સોલંકી પોતાના વકીલ સાથે હાજર રહ્યા હતા. વકીલ દિપક પરમારે જણાવ્યું હતું કે, આ મામલે અમે અમારો પક્ષ મુક્યો છે અને જે. બી. સોલંકી વિરુધ્ધ જે તમામ આક્ષેપો કરવામાં આવ્યા છે. તે ખોટા આક્ષેપો છે તે અંગે રજૂઆત કરી છે. અમારા પક્ષે નામદાર કોર્ટમાં જે કેસો પેન્ડીંગ છે. તેની રજૂઆત કરવા માટે  પ્રાન્ત કચેરી દ્વારા તારીખ આપવામાં આવી છે. ૧૯ તારીખે  સુનાવણી હાથ ધરમાં આવી છે.

તાલૂકા પંચાયત પ્રમૂખ જે. બી. સોલંકીએ જણાવ્યું હતું કે મારી રાજકીય કારકીર્દી ખતમ કરવા કાવતરૂ કરવામાં આવી રહ્યું છે. હું જેલમા રહીને ચૂંટણીઓ જીત્યો છું. લોકોનો અવાજ બનવા માટે હું આરટીઆઈથી માહીતી માંગુ છું. મારી અરજીઓ સાચી હોય છે. મને ખોટી રીતે લેન્ડગ્રેબીંગમાં ફસાવામા આવ્યો છે, મને મારી નાખવા માટે સોપારીઓ પણ આપવામાં આવી છે. 

વધુમાં શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને તેમના પી. એ. રણવીર ચૌહાણ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. જે. બી. સોલંકીની સાથે મોટી સંખ્યામાં સર્મથકો હાથમાં એસટી સમાજ, રાજપુત સમાજ, માછીસમાજ, આદિવાસી સમાજ જે. બી. સોલંકીની સાથે તેવા લખાણવાળા પોસ્ટર્સ લઈને જે. બી. સોલંકી જીંદાબાદના સુત્રો પોકાર્યા હતા. તેમના સમર્થનમાં શહેરાના અગ્રણી અને રાષ્ટ્રીય દેવીપુત્ર સેના ઉપાધ્યક્ષ જોગીરાજ ભાઈ ગઢવી પણ આવ્યા હતા. કોઈ અનિચ્છીય બનાવ ના બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આગામી સમયમાં શહેરા તાલુકામા રાજકીય માહોલ ગરમાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.