મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ગુંચવાડો થઈ ગયો છે. રોજ નવા સમીકરણોને લઈને રાજ્યમાં હલચલ ચાલી રહી છે. રાજનૈતિક ગતિરોધના વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવાર આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે તો બીજી તરફ દેવેન્દ્ર ફડણવીશ આજે ગૃહમંત્રી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરવાના છે.

આ ઉપરાંત મળતી માહિતી પ્રમાણે ફડણવીશ ગહમંત્રી સાથે મુલાકાત દરમિયાન ખેડૂતોના પાકને થયેલા નુકસાન વિશે કેન્દ્રની માગ કરશે. જોકે બીજી તરફ બાબત એવી પણ સામે આવી છે કે શરદ પવાર પણ આજે સોમવારે દિલ્હીમાં સોનીયા ગાંધી સાથે મુલાકાત કરવાના છે. જેને પગલે હાલ મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો ચઢી ગયો છે. શિવસેના દ્વારા ગઠબંધન સહયોગી એવા ભાજપ તથા અન્ય વિકલ્પ શોધવાની અટકળોએ વિવિધ ચર્ચાઓનો દોર શરૂ કર્યો છે. 

કોંગ્રેસ અને એનસીપીની બેઠકને લઈને કોંગ્રેસના રાજ્ય અધ્યક્ષ જયંત પાટીલે કહ્યું કે, મુલાકાતમાં રાજનૈતિક ચર્ચા થશે. તેમણે કહ્યું કે, પવાર સાહેબ અને કોંગ્રેસ પ્રેસિડેન્ટ સોનીયા ગાંધી ગઠબંધનને લઈને બંને જ પાર્ટીઓના કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરશે. રવિવારે મુંબઈમાં એનસીપી નેતાઓએ એક મીટીંગ કરી અને રાજ્યની હાલની રાજનૈતિક સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

ઉલ્લેખનીય છે કે ચૂંટણીના પરિણામો આવી ચુક્યા અને તેને પણ દસ દિવસ વીતી ગયા તો પણ મહારાષ્ટ્રમાં સરકાર કેવી રીતે અને કોની બનશે તે સ્પષ્ટ થઈ રહ્યું નથી. ભાજપ શિવસેના એક બીજા તરફ શરતો મુજબ સરકાર રચવાની માગ કરી રહ્યું છે તો બીજી તરફ અત્યાર સુધી સાથે રહેવાનું વચન આપનાર ભાજપ શિવસેનાની ફીફ્ટી- ફીફ્ટી વાળી ફોર્મ્યૂલાથી સહમત નથી.