મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: લોકસભાની ચૂંટણી પહેલાં રાજકીય ગતિવિધિઓમાં ગુજરાતમાં મોખરે રહેનારા પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસથી જુદા પડેલા શંકરસિંહ વાઘેલાએ આજે પોતાનું રાજકીય મોભો જાળવતું સ્નેહ મિલન શનિવારે ગાંધીનગર ખાતે કર્યું.

ગાંધીનગરના સેકટર 8ના સમર્પણ ગ્રાઉન્ડમાં કરેલા સ્નેહ મિલનમાં રાજ્યભરમાંથી શંકરસિંહ વાઘેલા સમર્થકો હાજર રહ્યા છે. આજના કાર્યક્રમમાં રાજકીય, સામાજિક આગેવાનો સહિત નેશનાલિસ કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી અને વિપુલ ચૌધરી હાજર છે. જોકે બીજી બાજું શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ ત્રણ મહિનામાં જ બાપુ માટે ભાજપ છોડી દીધું હતું પરંતુ તેઓ જ આજે તેમના પિતાના આ કાર્યક્રમમાં ગેર હાજર રહ્યા હતા. જેનાથી વિવિધ પ્રકારની ચર્ચાઓનો દોર શરૂ થયો હતો.

સ્નેહ મિલનમાં શંકરસિંહ વાઘેલા સાથે તેમની સરકાર અને કોંગ્રેસના સમયે સાથે રહેલા નામી ચહેરાઓ આજના સ્નેહ મિલનમાં નજરે પડયા ન હતા. જ્યારે રાજ્યભરમાં 200 જેટલી ગાડીઓ- વાહનો અને 50થી વધુ લકઝરીમાં મહિલાઓ અને પુરૂષો ગાંધીનગર પહોંચ્યા છે. 

સ્નેહ મિલન કાર્યક્રમ પહેલાં શંકરસિંહ વાઘેલાએ રેલી યોજી હતી અને ત્યારબાદ ડાયરા સાથે ચાલુ કરવામાં આવેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં પહોંચ્યા હતા. શંકરસિંહ વાઘેલાનું દલિતો એ સંવિધાન આપી, આદિવાસી સમજે તીર-કામઠું આપીને, પટેલે સમાજે ટ્રેકટર આપી, ઠાકોર સમાજે સાફો પહેરાવી, રબારી સમાજે, લઘુમતી સમાજે સિદી સૈયદની જાળી આપી, ગુજરાત રાજપૂત સમાજે, બ્રહ્મ સમાજ, રાજપૂત કરણી સેના અને મહિલાઓએ સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં 7 હજાર જેટલા લોકોની હાજરી જોવા મળી.