મેરાન્યૂઝ નેટવર્ક.શામળાજીઃ યાત્રાધામ શામળાજી મંદિરમાં છેલ્લા ૯૦ વર્ષથી ચાલી આવતી પ્રણાલિકામાં ફેરફાર કરી રાજોપચારી મહાપૂજાના સ્થળમાં ટ્રસ્ટ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. ભગવાન સન્મુખ થતી મહાપૂજાના સ્થળમાં ફેરફાર કરી આ પૂજા મંદિર બહાર ચોકમાં બનાવાયેલી યજ્ઞશાળામાં કરવાના નિર્ણયથી મહાપૂજા કરાવતા ભક્તોમાં રોષ વ્યાપ્યો છે. સાથે સાથે રાજોપચારી પૂજા કરાવતા ભક્તોની આસ્થાને પણ ઠેસ પહોંચી છે, ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયને પગલે ભક્તોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

યાત્રાધામ શામળાજી મંદિરમાં છેલ્લા ૯૦ વર્ષથી ભગવાન શામળાજી સન્મુખ રાજોપચારી મહાપૂજા કરવામાં આવતી હતી. આ પૂજા વર્ષો પહેલા તત્કાલીન ટ્રસ્ટના ટ્રસ્ટી અને વિદ્વાન શાસ્ત્રી સ્વ. શુકદેવજી મહારાજ દ્વારા ઠાકોરજીની સેવા માટે ચાલુ કરાવામાં આવી હતી. શરૂઆતમાં આ પૂજા મહિનાની વદ અને સુદ બારશના દિવસે કરવામાં આવતી હતી. જેમાં 7 ભૂદેવો દ્વારા 1650  મંત્રો દ્વારા પાતરા સાધન પૂજા ઠાકોરજી સન્મુખ કરવામાં આવતી જેના પાછળનો મુખ્ય આશય હતો કે ભગવાન સન્મુખ પૂજાથી એક પોઝીટીવ ઉર્જાની સાથે ઠાકોરજીના તેજમાં વધારો થાય તે હતો.

જેથી આ પૂજા વર્ષોથી ચાલી આવતી હતી. સમય જતા આ પૂજા ભક્તો પણ કરાવવા લાગ્યા હાલ આ પૂજા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા 11 હજાર ભેટ લેવામાં આવી રહી છે. વર્ષો પહેલા આખા વર્ષમાં માત્ર 24 પૂજાઓ થતી હતી. જે હવે ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનતા હાલ વર્ષે 100 થી વધુ પૂજાઓ ભક્તો કરાવે છે. ત્યારે ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનેલી આ મહાપૂજાના સ્થળમાં ટ્રસ્ટ દ્વારા ફેરફાર કરવાનો નિર્ણય કરાયો છે.

ભગવાન સન્મુખ થતી મહાપૂજા હવેથી મંદિર બહાર ચોકમાં બનાવાયેલી યજ્ઞશાળામાં કરવાનો તગલખી નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે ભક્તોમાં રોષની લાગણી વ્યાપી છે. જ્યારે પોતાના આપ્તજન અને સ્વજનના જન્મ દિવસ, લગ્ન તિથિ, પુણ્ય તિથિ જેવા યાદગાર પ્રસંગો માટે અમરીયા મૂડી ભરી આ પૂજા કરાવતા ભક્તો સહિતની આસ્થાને ઠેસ પહોંચી છે.

મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા ગોઠવવાના નામે ભગવાનની વર્ષોથી ચાલી આવતી પ્રણાલિકામાં ફેરફાર કરવામાં આવતા હાલ આ મુદ્દો ભક્તો માટે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયમાં ફેરફાર કરી ઠાકોરજી સન્મુખ પૂજા કરાવાય તેવું ભક્તો ઈચ્છી રહ્યા છે.