મેરાન્યૂઝ નેટવર્ક.શામળાજીઃ અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર ભાર વાહક વાહન ચાલકો બેફિકરાઈ પૂર્વક વાહન હંકારતા હોવાથી અકસ્માતની ઘટનાનોમાં સતત વધારો થઈ રહ્યો છે. શામળાજી બસ-સ્ટેન્ડ નજીક રાજસ્થાન તરફથી આવતા ટ્રક-ટ્રેલરના ચાલકે આગળ જઈ રહેલા વાહન સાથે ભટકાડી દેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક-ટ્રેલરના ચાલકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે ટ્રાફિકજામ સર્જાતા શામળાજી પોલીસે ટ્રાફિક પૂર્વરત કરાવ્યો હતો.

શામળાજી બસસ્ટેન્ડ નજીક રાજસ્થાન તરફથી આવતા માલસામાન ભરી આવતા ટ્રક-ટ્રેલર (ગાડી. RJ 20  GB 4857 ) ના ચાલક અર્જુન રાજારામજી રેબારી (રહે, પદમપુરા, ભીલવાડા-રાજસ્થાન) એ ગફલત ભરી રીતે ટ્રક-ટ્રેલર આગળ જતા અજાણ્યા ભારે વાહનમાં ઘુસાડી દેતા ટ્રક-ટ્રેલરના બે ઉભા ફાળકા થઈ જતા રોડ પર આડુ પડી ગયું હતું. ટ્રક-ટ્રેલરના કેબિનનો કડૂચાલો વળી જતા ચાલકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માતના પગલે દોડી આવેલી શામળાજી પોલીસે ટ્રક-ટ્રેલરના ચાલકના મૃતદેહને પીએમ માટે ખસેડી કાલુલાલ આત્મજાશોનાથજી ગુર્જર (રહે,પદમપુરા) ની ફરિયાદના આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.