મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ કોરોના વાયરસની માહામારી વચ્ચે સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કોરોના સંક્રમણ અટકાવવા મોટી સંખ્યામાં એકઠા થવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ ધરાવતા કાર્તિકી મેળાનું ભક્તોમાં છે ત્યારે શામળાજી મંદિરના ટ્રસ્ટીઓ કાર્તીકી મેળામાં ઉમટતા લાખ્ખો શ્રદ્ધાળુઓ કોરોના સંક્રમણનો ભોગ ન બને તે માટે ઇતિહાસમાં પ્રથમ વાર કાર્તિકી મેળાનું આયોજન રદ કરતા ભક્તોએ મંદિરના ટ્રસ્ટીઓના નિર્ણયને આવકાર્યો હતો કાર્તકી પૂનમે મંદીર ખુલ્લું રહશે અને સરકારની ગાઈડલાઈન અનુસાર ભક્તો ભગવાન કાળીયા ઠાકોરના દર્શન કરી શકેશે તેવું મંદિરના મેનેજર કનુ પટેલે જણાવ્યું હતું.

શામળાજી મંદીરનું મહત્વ અને તેની સાથે જોડાયેલ માન્યતાઓ પર એક નજર 

   એક માન્યતા પ્રમાણે ભગવાન વિશ્વકર્માએ આ મંદિર એક જ રાતમાં બનાવ્યું હતું. અલબત તેનું કાર્ય પૂર્ણ થતા સવાર પડી ગઇ હોવાથી તેઓ મંદિરને તે અહીં જ છોડીને ચાલ્યા ગયા હતા. ગુજરાતના અરવલ્લી  જિલ્લામા આવેલા શામળાજીના મંદિરનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ અહીં ભરાતા શામળાજીના મેળાનું છે. કાર્તિક પૂર્ણિમા દરમિયાન અહીં દર વર્ષે મેળો ભરાય છે. જેમાં એકંદરે બે લાખ જેટલા લોકો આવે છે. ખાસ કરીને ગરાસિયા અને ભીલ જાતિના લોકો આ મેળાનો લાભ મોટા પ્રમાણમાં લે છે. તેમાં પણ ભીલ આદિવાસીઓને તેમના શામળીયામાં કંઇક વધારે જ રસ હોય છે. મેળા દરમિયાન અહીં વિવિધ ધાર્મિક અને સામાજિક દ્રશ્યો સર્જાય છે. જે લોકજીવનની ઝાંખી કરાવે છે. 

શામળાજીના મેળા દરમિયાન શ્રદ્ધાળુઓ તેમના શામળીયાને પૂજે છે, મેશ્વો નદીમાં સ્નાન કરે છે, લોકગીતો અને લોક નૃત્યો રજૂ કરીને ધન્યતા અનુભવે છે. શામળાજી મંદિર મેશ્વો નદીના કાંઠે આવેલું છે. આ જગ્યાની પ્રાકૃતિક સુંદરતા પણ લોકોને અહીં ખેંચી લાવવામાં મદદરુપ બને છે. માટીના પથ્થરોમાંથી બનેલું શામળાજી મંદિર 500 વર્ષ જેટલું પૌરાણિક હોવાનું માનવામાં આવે છે. શામળાજી મંદિરના બાંધકામ પાછળ કેટલીક લોકવાયકાઓ પ્રસિદ્ધ છે. એક માન્યતા મુજબ બ્રહ્માજી એક સારા તીર્થની શોધમાં ફરતા ફરતા પૃથ્વી પર આવી પહોંચે છે. અસંખ્ય સ્થળો જોયા બાદ તેઓ શામળાજી પહોંચે છે. આ જગ્યા તેમનું મન મોહી લે છે અને અહીં તેઓ આરાધના કરે છે.

તેમની આરાધનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તેમને આ જગ્યા પર યજ્ઞ કરવાનું કહે છે. યજ્ઞના આરંભમાં જ ભગવાન વિષ્ણુ શામળાજીના સ્વરુપમાં પ્રગટ થાય છે અને આ સ્થળ પર પોતાનું સ્થાનગ્રહણ કરે છે. અન્ય એક માન્યતા પ્રમાણે ભગવાન વિશ્વકર્માએ આ મંદિર એક જ રાતમાં બનાવ્યું હતું. અલબત તેનું કાર્ય પૂર્ણ થતા સવાર પડી ગઇ હોવાથી તેઓ મંદિરને તે અહીં જ છોડીને ચાલ્યા ગયા હતા. ત્રીજી માન્યતા એવી છે કે એક આદિવાસી જ્યારે જમીન ખોદતો હોય છે ત્યારે તેને ભગવાન શિવની પ્રતિમા હાથ લાગે છે.

જેની તે ખૂબજ સારી રીતે પૂજા કરે છે. અને તેને આ પૂજાનું સારુ એવુ ફળ પણ મળે છે. આ ઘટના પરથી બોધપાઠ લઇને એક વૈશ્નવ વેપારી અહીં મંદિર બંધાવે છે અને તે જ મૂર્તિની તેમાં સ્થાપના કરે છે. ભગવાન કૃષ્ણનું શામળાજી મંદિર ભાગ્યે જ જોવા મળતા મંદિરોમાંનું એક છે કે જેમાં ગાયની પ્રતિમાની પણ પૂજા થાય છે. મેળામાં જ નહીં તે સિવાય ચાલુ દિવસે પણ અસંખ્ય શ્રદ્ધાળુઓનો જમાવડો અહીં જોવા મળે છે.