મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ ગુજરાતમાં દારૂબંધીના નામે સૌથી વધુ દારૂનું વેચાણ અને ખુલ્લેઆમ દારૂની મહેફિલના જામતી હોવાના અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. મોટા ભાગના કિસ્સાઓમાં પડદા પડી જાય છે ગુજરાતમાં દારૂબંધીના કાયદાની ઐસી કી તૈસી કરી છડેચોક લોકો ભંગ કરી રહ્યાં છે. બુટલેગરો પણ ખુલ્લેઆમ બિંદાસ્ત દારૂનું વેચાણ ‘કોઇક’ની રહેમ નજર હેઠળ કરી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે અરવલ્લી જીલ્લાના શામળાજી નજીક હેડક્વાર્ટર પી.એસ.આઈ અને તેનો મિત્રો સાથે દારૂના નશામાં છાકટો બની દબંગાઈ કરતો હોવાનો અને રોડ પરથી પસાર થતા વાહન ચાલકો સાથે મારામારી કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા ખાખી વર્દી વધુ એકવાર શર્મનાક સ્થિતિમાં જોવા મળતા લોકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. શામળાજી નજીક બનેલી ઘટનમાં અંદરો અંદર સમાધાન થતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો ન હતો.

શામળાજી નજીક જાબચિતરીયા ગામ નજીક રાત્રીના સુમારે નેશનલ હાઈવે.નં-૮ નજીક હેડક્વાર્ટરમાં ફરજ બજાવતો પીએસઆઈ અને તેના મિત્રો દારૂના નશામાં ચકચૂર થઈ દબંગાઈ પર ઉતારી આવી રોડ પરથી પસાર થતા વાહનચાલકો સાથે મારપીટ કરતા ભય સાથે ભારે હોબાળો મચતા ચકચાર મચી હતી.

પીએસઆઈની દાદાગીરીથી રોષે ભરાયેલા લોકોએ માર મારી પાઠ પણ ભણાવ્યો હતો. ઉપસ્થિત કેટલાક લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા અને દબંગાઈ કરનાર શખ્શ પીએસઆઈ હોવાનું જણાવી રોફ મારતો લોકોનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો. સમગ્ર ઘટના અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફોન કરતા આવી કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાનું ફરજ પરના પી.એસ.ઓએ જણાવ્યું હતું. બનાવને પગલે પીએસઆઈને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. રક્ષક જ ભક્ષક બનતા પ્રજાજનોએ કોની પાસે ન્યાય મેળવવા જવું તે કઠિન બન્યું છે.