મેરાન્યૂઝ નેટવર્ક.શામળાજીઃ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ની કડક અમલવારી ફક્ત કાગળ પર રહી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના દારૂબંધી અંગેના નિવેદન પછી રાજ્યના રાજકારણમાં ધમાસાણ મચ્યું છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ આડકતરી રીતે ગુજરાત પોલીસ અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી દારૂનાં હપ્તા જતા હોવાનો આરોપ લગાવ્યો હતો. 

રાજ્ય પોલીસવડાએ દારૂબંધીની ચુસ્ત અમલવારી માટે પોલીસતંત્રને તાકીદ કરી છે પરપ્રાંતીય અને સ્થાનિક બુટલેગરો માટે આશીર્વાદ સમા રતનપુર ચેકપોસ્ટ પર શામળાજી પોલીસે સઘન સુરક્ષા અને રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી બુટલેગરોના વિદેશી દારૂ ઘુસાડવાના મનસૂબા પર પાણી ફેરવી રહી છે.

શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીકથી ટ્રકમાંથી ૧૪.૫૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડવાના ગણતરીના કલાકોમાં રાવતાવાડા નજીકથી મેક્સ જીપ માંથી ૯૦ હજારનો વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

શામળાજી પીએસઆઈ સંજય શર્મા અને તેમની ટીમે રાજસ્થાનના ડેડલી ગામ તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા પોલીસ ચેકીંગ જોઈ મેક્સ જીપનો ચાલક રોડની બાજુમાં મેક્સ જીપ મૂકી ફરાર થઈ જતા શામળાજી પોલીસે મેક્સજીપ (ગાડી. નં- GJ. 04. BE. 5736) માં તલાસી લેતા ગાડી માંથી વિદેશી દારૂની બોટલ નંગ-૬૮૪ કિં.રૂ.૯૦,૦૦૦/- અને મેક્સ જીપ કિં. રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૩,૯૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર જીપચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની દારુબંધીને લઈને પક્ષ વિપક્ષ દ્વારા સામસામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અશોક ગહેલોતે જ્યારે ગુજરાતમાં ઘરે ઘરે દારુ પીવાય છે તેવું નિવેદન આપ્યું ત્યારે સામે ભાજપના નેતાઓ અને મુખ્યમંત્રી દ્વારા આ નિવદેનને ગુજરાતના લોકોનું અપમાન ગણાવાયું હતું. જે પછી બંને પક્ષોના નેતાઓ દ્વારા વિવિધ નિવેદનો કરીને ગુજરાતમાં દારુ પીવાચ છે કે નહીં તે અંગે નિવેદનો કર્યા. આ અરસામાં રાજસ્થાનથી જ દારુનો જથ્થો ગુજરાતમાં ઘૂસાડાતો હોવાની ઘટના બનવા પામી છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનથી ગુજરાતમાં દારુ ઘૂસાડવાના પ્રયત્નો કરતાં ઘણા બુટલેગર્સ રોજ બરોજ પોલીસના હાથે લાગી જતાં હોય છે ઘણા છટકવામાં સફળ થાય છે. ગુજરાતમાં ક્યાં કેટલો દારુ પીવાય છે તે સમગ્ર વિગતો નેતાઓ અને લોકો જાણે જ છે. ગુજરાતની દારુબંધી જેટલી જગજાહેર છે તેટલી જ ગુજરાતમાં છૂપી રીતે દારુ ક્યાં કેવી રીતે મળે છે તે પણ જગજાહેર છે. છતાં નેતાઓ દ્વારા હાલ ચૂંટણી ટાંણે આ મુદ્દો કેમ ઉછાળાઈ રહ્યો છે તે પણ જનતા જાણે છે.