મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાની આંતરરાજ્ય  સરહદો પરથી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ- બિયર ગુજરાતમાં ઠાલવામાં આવી રહ્યો છે. રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ રાજ્યની તમામ આંતરરાજ્ય અને આંતરિક ચેકપોસ્ટ બંધ કરવાના નિર્ણય પછી બંને જિલ્લામાં આશ્ચર્ય જનક સ્થિતિનું નિર્માણ થયું હોય તેમ બંને જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી જાણે બુટલેગરોએ વિદેશી દારૂ ઘુસાડવાનું બંધ કરી દીધું હોય તેમ છેલ્લા મહિના દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપવાની ઘટનાઓ નહિવત બની હોવાના સમાચાર મેરાન્યુઝમાં પ્રકાશિત થતા જાણે શામળાજી પોલીસે આળસ ખંખેરી રતનપુર ચેકપોસ્ટ નજીકથી સેન્ટ્રો કારમાં ગુપ્તખાનામાં સંતાડીને લવાતો ૩૦ હજાર રૂપિયાના વિદેશી દારૂ સાથે એક શખ્શને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. 

રાજસ્થાનના મુંગેર ગામનો સતીશ હેમચંદ્ર નટ નામના શખ્શને બુટલેગરે ઠેકા પરથી સેન્ટ્રો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપ્યો હતો અને વિદેશી દારૂ ભરેલી કાર મોડાસાની આજુબાજુ કોઈ બુટલેગરને પહોંચાડે તે પહેલા શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક વેણપુર ગામની સીમાથી ઝડપી લીધો હતો. 

શામળાજી પીએસઆઈ એચ.એસ.પરમાર અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા વેણપુર ગામની સીમમાંથી પસાર થતી સેન્ટ્રો કાર (ગાડી.નં. MH.43.A.3614 ) ને અટકાવી તલાસી લેતા પાછળ સીટના ભાગે ગુપ્ત ખાનામાં સંતાડી રાખેલો વિદેશી દારૂની બોટલ-ક્વાંટરીયા નંગ-૧૬૫ કીં.રૂ.૩૦૩૦૦/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક સતીશ હેમચંદ્ર નટ (રહે,મુંગેર, ડુંગરપુર, રાજ) ને ઝડપી પાડી કારની કીં.રૂ.૫૦૦૦૦/- તથા મોબાઈલ-૧  કીં.રૂ ૧૦૦૦/- મળી કુલ રૂ.૮૧૩૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર સહીત અન્ય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.