મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લી: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ પૂરતી રહી હોય તેમ ઠેર ઠેર દેશી-વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. રાજ્યમાં દારૂબંધીના પગલે વિદેશી દારૂના ભાવ ત્રણ થી ચાર ગણા મળતા બુટલેગરો નિતનવા પેતરા રચી દારૂ ઠાલવવા પ્રયત્નશીલ રહે છે. શામળાજી પોલીસે અણસોલ ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું. નકામા કપડાંની બોરીઓ ભરી આવી રહેલ ટ્રકની શંકાસ્પદ ઝડપને પગલે પોલીસે અટકાવી તલાસી લેતા ટ્રકમાંથી ૧૦.૯૮ લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ટ્રક ચાલક,ક્લીનરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. અરવલ્લી જીલ્લા પેરોલ ફર્લો સ્કોડે ઝાંઝરી બોર્ડર પરથી રાજસ્થાનના લલીત શકરાજી અસોડા નામના બુટલેગરને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
 
અરવલ્લી જીલ્લાના નવનિયુક્ત પોલીસવડા સંજય ખરાતના આગમન પછી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વિદેશી દારૂ ઘુસાડવાના બુટલેગરોના તમામ કીમિયા નાકામિયાબ લાગી રહ્યા છે. શામળાજી પોલીસે ને.હા.નં-૮ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ અને પેટ્રોલિંગ હાથધરતા રાજસ્થાન તરફથી આવતા ટ્રક (ગાડી.નં-PB-13-Z-0865) ને અટકાવી ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો નકામા કપડાંના કટિંગની બોરી પાછળથી મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૨૯૨૮ કીં.રૂ.૧૦૯૮૦૦૦/- જપ્ત કરી ટ્રક ચાલક મિથલેસ પ્રમોદ પ્રસાદ પાંડે અને ગોરબચનસીંગ સીકારાસીંગ જાટ (બંને રહે,પંજાબ) ની ધરપકડ કરી ટ્રક,નકામા કાપડ બોરી,મોબાઈલ મળી કુલ રૂ.૨૧૬૬૯૨૫/- નો જથ્થો જપ્ત કરી બંને શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી  જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
 
રાજસ્થાનના બુટલેગરને પેરોલ ફર્લો સ્કોડે ઝાંઝરી બોર્ડર પરથી દબોચ્યો

અરવલ્લી જિલ્લા પેરોલ ફર્લો સ્કોડ ટીમે જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવા કમર કસી છે. પેરોલ ફર્લો પીએસઆઈ કે.એસ.સીસોદીયા અને તેમની ટીમે ભિલોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુન્હામાં નાસતો ફરતા રાજસ્થાનના લલીત શકરાજી અસોડા (રહે,પાટીયા-ખેરવાડા) ને ભિલોડા નજીક આવેલી આંતરરાજ્ય સરહદ ઝાંઝરી નજીકથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.