મેરાન્યૂઝ નેટવર્ક.શામળાજીઃ ગુજરાત અને રાજસ્થાન રાજ્યમાં ગેરકાયદેસર પિસ્તોલ નો વેપલો કરનાર અને ધાડ ચોરી, લૂંટ અને હત્યાની કોશિશના ગુનામાં સંડોવાયેલ ઝારખંડના ખૂંખાર આરોપીએ અરવલ્લીના ભિલોડા શહેરના આંબલી બઝારમાં શરણ લીધી હતી.ગુરુવારે વહેલી સવારે રાજસ્થાનના ઉદેપુરથી હથિયારો સાથે ભિલોડા ઘરે આવવાનો હોવાની બાતમી જીલ્લા એલસીબી પોલીસને મળતા શામળાજી આશ્રમ ચોકડી નજીક વોચ ગોઠવી વિજય ઉર્ફે ચંદન રામસ્વરૂપ પાસવાનને બે લાયસન્સ વગરની પિસ્તોલ સાથે દબોચી લઈ રાજસ્થાન અને ગુજરાતના અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં વણઉકેલ્યા ૧૮ ગુન્હાનો ભેદ ઉકેલી નાખી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

ઝારખંડ રાજ્યના પ્રતાપપુર તાલુકાના મંચગામાનો વિજય ઉર્ફે ચંદન રામસ્વરૂપ પાસવાન રાજસ્થાન રાજ્યમાં અને ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર અન્ય રાજ્યમાંથી પિસ્તોલ અને બંદૂક જેવા મારક હથિયારોનું વેચાણ કરતો હોવાની સાથે બંને રાજ્યોમાં ચોરી લૂંટ અને હત્યાની કોશિશનાો આરોપી બેખોફ બની ગુના આચરતો હતો. રાજસ્થાનમાં ૧૩ ગુનામાં વોન્ટેડ હોવાથી રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના ભિલોડા શહેરમાં આંબલી બઝારમાં રહેતો હતો અને અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ૫ ગુનામાં તેની સંડોવણી બહાર આવતા ગુજરાત-રાજસ્થાન પોલીસને હાથતાળી આપી બેનને રાજ્યોમાં છુપાતો રહેતો હતો. સાથે તેણે ગેરકાયદેસર પિસ્તોલ વેચાણ કરી બંને રાજ્યોની પોલીસના નાકે દમ લાવી દીધો હતો.

અરવલ્લી જીલ્લા એલસીબી પીએસઆઈ કે.કે.રાજપૂત અને  તેમની ટીમે બાતમીના આધારે શામળાજી આશ્રમ ચોકડી નજીકથી ગુરુવારે વહેલી સવારે દેશી બનાવટની બે પિસ્તોલ સાથે વિજય ઉર્ફે ચંદન રામસ્વરૂપ પાસવાનની ઝડપી તેની પાસેથી જીવતા કારતુસ નંગ-૭ અને મોબાઈલ-૧ મળી કુલ રૂ.૪૪૦૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.