મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી:અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર આવેલ આંતરરાજ્ય સરહદ રતનપુર ચેકપોસ્ટ બુટલેગરો અને અસામાજીક તત્ત્વો માટે સેફ હેવન હોવાની સાથે રતનપુર ચેકપોસ્ટ પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ,ડ્રગ્સ ચોરીનો મુદ્દામાલ, બીન હિસાબી સોના-ચાંદી અને રોકડ રકમની હેરાફેરી અનેક વાર પોલીસે નિષ્ફળ બનાવી છે. ત્યારે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતી કીયા સેલ્ટોસ કારના ગુપ્ત ખાનામાંથી અધધ ૮૦ લાખ રોકડ રકમ મળી આવતા પોલીસની આંખો પહોળી થઇ ગઈ હતી કારમાં રહેલા ત્રણે રાજસ્થાની શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. હાલ પોલીસ ૮૦ લાખ રૂપિયા ચોરીના કે પછી છળકપટ કરી હોવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

શામળાજી પીએસઆઈ આશીષ પટેલ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ પરથી ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા રાઉન્ડ ધી ક્લોક અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર સઘન પેટ્રોલીંગ અને વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું છે. રતનપુર ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકીંગ દરમિયાન શંકાસ્પદ ઝડપ સાથે રાજસ્થાન તરફથી આવતી કીયા સેલ્ટોસ કારને અટકાવી તલાસી લેતા કારની ડ્રાઈવરની ખાલી સાઈડ સીટ નીચે ગુપ્ત ખાનું મળી આવતા પોલીસે ગુપ્તખાનામાં દારૂનો જથ્થો હશે માની ગુપ્તખાનું ખોલતા અંદરથી બે થેલા માંથી અધધ  ચલણી નોટો મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી અને તાબડતોડ કારને શામળાજી પોલીસ સ્ટેશન લઇ આવી બંને થેલામાં રહેલી રોકડ રકમની ગણતરી કરતા ૮૦ લાખ રૂપિયા હોવાનું જણાઈ આવતા કારમાં રહેલા ત્રણ શખ્સોને આધાર પુરાવા રજુ કરવા કહેતા ત્રણે શખ્સો ગલ્લા તલ્લાં કરવા લાગતા પોલીસે ત્રણે શખ્સોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. 

શામળાજી પોલીસે ૧)મદન સોડીલાલ સાલવી,૨)રાહુલ ગોવિંદરામ ગખરેજા અને ૩)કિશનલાલ પ્રેમકુમાર લોહાર (ત્રણે રહે,ઉદેપુર-રાજસ્થાન) ને ઝડપી પાડી સીઆરપીસી કલમ-૧૦૨,૪૧(૧)ડી મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.