મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં અસામાજિક તત્ત્વો બેફામ બની બિન્દાસ્ત મહિલાઓ અને વિદ્યાર્થીઓની છેડતી કરતા હોવાની બૂમો ઉઠી રહી છે આબરૂ જવાની બીકે રોડ રોમિયોની છેડતીનો ભોગ બનેલી મહિલાઓ,યુવતીઓ અને વિદ્યાર્થીનીઓ પોલીસ ફરિયાદ કરતા ખચકાટ અનુભવતા રોમિયોને છૂટો દોર મળ્યો છે રોમિયોને પકડવા માટે અરવલ્લી પોલીસ ડ્રાઈવ ચલાવતી હોવાના દાવા પોકળ સાબિત થયા છે શામળાજીમાં ધો.૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ખુલ્લેઆમ છેડતી થતા પીડિતા અને તેના પરિવારજનોએ આરોપીને કડક સજા કરવામાં આવેની માંગ સાથે જીલ્લા કલેક્ટર અને પોલીસવડાને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી.

શામળાજીમાં થોડા દિવસ અગાઉ ,આદિવાસી સમાજની ધો.૧૨ ની વિદ્યાર્થીનીની ખુલ્લેઆમ છેડતી કરી બિભસ્ત માંગણી કરી વિદ્યાર્થિનીએ પ્રતિકાર કરતા વેણપુરના ગણપતસિંહ ઇન્દ્રસિંહ જાડેજા નામના આવારા શખ્શે વાળ પકડી પછાડી દેતા અને જાતિવિષયક આપત્તીજનક શબ્દો બોલી ફરાર થઈ જતા વિદ્યાર્થિનીએ શામળાજી પોલીસસ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ એસસી,એસટી સેલના ડીવાયએસપી ગઢવીને સોંપતા આરોપીને દબોચી લઈ ગુન્હામાં વપરાયેલી બાઈક કબ્જે લઈ જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ,  શામળાજીના એક શૈક્ષણિક સંકુલમાં ધો.૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સંકુલમાં પીવાના પાણીની સગવડ ના હોવાથી ૩ વિદ્યાર્થીનીઓ સાથે સંકુલ બહાર પાણી પીવા ગઈ હતી તે સમય દરમિયાન આઈટીઆઈમાં અભ્યાસ કરતો ગણપતસિંહ ઇન્દ્રસિંહ જાડેજા (રહે,વેણપુર ) બાઈક લઈ વિદ્યાર્થીની સાથે છેડતી કરતા વિદ્યાર્થીનીઓ આવાક બની રોમિયો યુવકનો પ્રતિકાર કરતા ઉશ્કેરાઈ ગયો હતો અને જાતિવિષયક ટિપ્પણી કરી એક વિદ્યાર્થિનીના વાળ પકડી જમીન પર પટકી નાખી ફરાર થઈ જતા વિદ્યાર્થિનીએ તેના પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરતા સગીરાના પરિવારજનો અને સગીરાએ  રોમિયોને પાઠ ભણાવવા શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી એસસી એસટી સેલને સોંપતા એસટીએસટી સેલના ડીવાયએસપી ગઢવી અને તેમની ટીમે આરોપી ગણપતસિંહને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
 
શનિવારે છેડતીનો ભોગ બનેલી પીડિતાના પરિવારજનોએ પવિત્ર યાત્રાધામમાં હવે વિદ્યાર્થીનીઓ પણ સલામત ન હોય એવો કિસ્સો બનતા અન્ય વિદ્યાર્થીની, મહિલાઓ કે યુવતીઓ આવા સડકછાપ રોડ રોમિયો અને અસામાજિક તત્વોનો ભોગ ન બને તે માટે જીલ્લા કલેક્ટર અને જીલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપી આરોપીને કડક સજા કરવામાં આવેની માંગ કરી હતી